ચીફ ઓફિસરની નિમણૂક થતા જ વહીવટીદારે મીટીંગ યોજી હાઉસ ટેક્સની ત્રણ ટિમોને કામે લગાડી મોરબી : મોરબી નગરપાલિકા સુપરસિડ થતાની સાથે વહીવહીદર અને ચીફ ઓફિસરની નિમણૂક થતા આ બન્ને અધિકારીઓ એક્શનમાં આવ્યા છે અને પાલિકાની આવક વધારવા માટે ભૂતિયા નળ કનેક્શનો શોધવા માટે હાઉસ ટેક્સની ત્રણ ટિમોને કામે લગાડી છે. જેમાં વહીવટીદારે મીટીંગ યોજી હાઉસ ટેક્સની ત્રણ ટિમોને ઘરે ઘરે ફરીને ભૂતિયા નળ કનેક્શનો શોધવા માટે સર્વેની જવાબદારી સોંપી છે. મોરબી શહેરમાં ભૂતિયા નળ કનેક્શનો શોધવા માટે હાઉસ ટેક્સની ત્રણ ટિમો બનાવવામાં આવી છે. આ ત્રણ ટિમો દ્વારા વોર્ડ નંબર 1થી 13માં ઘરેઘરે જઈને સર્વે કરાશે અને સર્વે દરમિયાન જે ઘરમાં ભૂતિયા નળ કનેક્શનો જણાય આવશે તો તેની કાયદેસરની નોંધણી કરાશે અને ભૂતિયા નળ કનેક્શન બદલ કરવેરાની વસુલાત કરવામાં આવશે. જે લોકો પાસે પાણી વેરાનું બિલ નહિ હોય એવા લોકોને નોટિસ આપી ત્યાં જ પાલિકાના ચોપડે એ નળ કનેક્શન કાયદેસર કરવાની કાર્યવાહી કરશે . આ ભૂતિયા નળ કનેક્શનની કાર્યવાહીથી પાલિકાની આવકમાં વધારો થશે. જો કે ભૂતકાળમાં ભૂતિયા નળ કનેક્શન સામે કાર્યવાહીની ઝુંબેશ અનેક વખત કરવામાં આવી છે પણ ક્યારેય પુરી કાર્યવાહી થઈ શકી નથી ત્યારે પદાધિકારી વગરની પાલિકામાં આ અધિકારીઓ કર્મચારીઓ પાસેથી કેવી રીતે આ કામ કરાવે છે તે જોવાનું રહ્યું.