વાંકાનેરના વઘાસિયા નજીક બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયાથી પંચાસર ગામ તરફ જવાના રસ્તે ટ્રક અને ઇકો કાર લઈને પસાર થઈ રહેલા ત્રણ લોકોને વઘાસિયા તળાવ પાસે આંતરી અહીંથી પસાર થવું નહિ કહી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ટ્રકના કાચ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા જયેશભાઇ ડાયાભાઇ લામકા તેમનો ટ્રક લઈને તેમજ તેમના અન્ય પરિચિત લોકો ઇકો કાર લઈને વઘાસિયા નજીકથી પસાર થતા હતા ત્યારે અક્ષય ઝાલા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા માણસોએ અહીંથી ટ્રક લઈને નીકળતો નહિ કહી તા.17ના રોજ રાત્રીના સમયે હુમલો કર્યો હતો. વધુમાં બનાવ સમયે ગાળો કાઢી અક્ષય ઝાલાએ ફરિયાદી જયેશભાઇ ડાયાભાઇ લામકાના જમણા પગે સાથળના ભાગે છરીનો ધા મારી ઇજા પહોચાડી તેમજ તેની સાથેના બીજા અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વતી જમણા પગે ગોઠણના ભાગે મૂઢ ઇજા પહોચાડી હતી અને સાહેદ જગદીશભાઇને લાકડાના ધોકા વડે માથાના ભાગે જમણી બાજુ ઇજા પહોચાડી હતી તેમજ એમ.એમ ઝાલા લખેલ મોટરસાયકલમા આવેલ બે અજાણ્યા માણસોએ સાહેદ ભાવેશભાઇને લાકડી તથા ઢીકા પાટુનો મુઢમાર માથાના ભાગે તથા શરીરે મારમારી તેમજ ફરીનો ટ્રકનો આગળનો કાચ લાકડાનો ધોકો મારી ફોડી નાખી, મોબાઇલ ધા કરી નુકશાની કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે જયેશભાઇ ડાયાભાઇ લામકાની ફરિયાદને આધારે અક્ષય ઝાલા અને અજાણ્યા માણસો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા જી.પી.એકટ.કલમ-૧૩૫મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.