અન્ય જિલ્લામાંથી આવતા લોકોને શહેરની બહાર જ કોરોનટાઇન કરવાની વ્યવસ્થા ગોઠવવા કલેકટરને કરાઈ રજુઆત મોરબી : રાજ્યમાં હાલ કોરોના સંદર્ભે ત્રણ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લો સહુથી સલામત એવા ગ્રીનઝોનમાં મુકવામાં આવ્યો છે ત્યારે શહેરીજનોની સલામતી અને આરોગ્ય સુરક્ષા માટે તંત્ર દ્વારા અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં પ્રવેશતા પ્રવાસીઓને મોરબી શહેરમાં તુરંત પ્રવેશ ન આપતા શહેરની બહાર જ સરકારી નિયમો પ્રમાણે ક્વોરેન્ટાઇન કરવામાં આવે તેવી સુવિધા ઉભી કરવા નગરપાલિકાના પ્રમુખે સૂચન કર્યું છે. ત્રીજા લોકડાઉનના પ્રારંભે શરતો અને કેન્દ્રની ગાઇડલાઇન્સ મુજબ આંતર જિલ્લામાંથી પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે ત્યારે અત્યાર સુધી ગ્રીનઝોનમાં રહેલા મોરબી જિલ્લામાં વધુ સાવચેતી રાખવાના પગલાં ભરવાના ભાગરૂપે હાલની વ્યવસ્થામાં પરિવર્તન કરવાનું સૂચન મોરબી પાલિકાના પ્રમુખ કેતન વિલપરાએ સબંધિત તંત્રને કર્યું છે. જે મુજબ અન્ય જિલ્લામાંથી મોરબીમાં પ્રવેશતા પ્રવાસીઓને શહેરની બહાર, જેમકે શનાળારોડ પટેલવાડી, હળવદરોડ પર આઈટીઆઈ, વાંકાનેર રોડ પર મયુર હોસ્પિટલ જેવા સ્થાનોં પર અટકાવી સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે તેઓને ત્યાં જ ક્વોરેન્ટાઇન કરી તેઓનો ટેસ્ટ કરી નિશ્ચિત સમય સુધી ત્યાં જ રાખવા જોઈએ. આરોગ્ય વિભાગનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ પ્રવાસીઓને મોરબી શહેરની હદમાં પ્રવેશ આપવામાં આવે તો મોરબી શહેરમાં કોરોનાનો પ્રકોપ રોકવામાં આ વ્યવસ્થા અસરકારક સાબિત થાય એમ છે. વધુમાં પાલિકા પ્રમુખે જણાવ્યું છે કે અન્ય જિલ્લાઓમાંથી મોરબીવાસી વતન વાપસી કરે તેમાં પાલિકાનો રાજીપો જ હોય આમ છતાં એક જવાબદાર પદ પરથી પુરા શહેરને સુરક્ષિત રાખવાની પણ મારી જવાબદારી બનતી હોય સમગ્ર શહેરના હિતાર્થે હું આ વિનંતી કરું છું એમ જણાવી પાલિકા પ્રમુખે આ દિશામાં પગલાં ભરવામાં આવશે તો એમાં પાલિકાનો સંપૂર્ણં સહયોગ રહેશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.