હોળી-ધુળેટીએ ઓણસાલ રૂ.3થી 2500 સુધીની પિચકારી બજારમાં ઉપલબ્ધ : રંગે રમવામાં લોકો પાકા કલરને બદલે ઓર્ગેનિક કલર તરફ વળ્યાંમોરબી : રંગોના તહેવાર હોળી-ધુળેટી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબીની બજારો અવનવી પિચકારી અને રંગબેરંગી કલરોથી છલકાઈ રહી છે. જો કે, જનજાગૃતિને કારણે લોકો હવે રંગે રમવા માટે પાકા કે સિન્થેટિક કલર વાપરવાને બદલે ઓર્ગેનિક કલર તરફ વળ્યાં છે. હાલમાં મોરબીની બજારમાં રૂપિયા ત્રણથી લઈ 2500 સુધીની પિચકારીની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, મોરબીના વેપારીઓના મતે હોળી-ધુળેટીમાં ઓણ સાલ દોઢેક કરોડનું ટર્ન ઓવર થશે.સીરામીક નગરી દરેક તહેવાર-ઉત્સવ ઉજવણીમાં હમેશા અગ્રેસર રહે છે ત્યારે હોળી-ધુળેટી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ મોરબીની બજારમાં અત્યારથી અવનવી પિચકારીની વેરાયટીઓ તેમજ ધુળેટીને લગતી અનેક આઇટમોનો ખજાનો બજારમાં જોવા મળી રહ્યો છે. મોરબીના અગ્રણી વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે બજારમાં 250 થી વધુ પિચકારીઓની આઇટમો ઉપલબ્ધ છે. જેમાં 3 ઈંચથી લઈ 4 ફૂટ સુધીની અને કિંમતમાં જોઈએ તો 3 રૂપિયાથી માંડી ને 2500 રૂપિયા સુધીની પિચકારી બજારમાં વેચાણ થઇ રહી છે. જોકે બાળકોમાં ટાંકીવાળી અને ગુલાલ ગન વાળી પીચકારીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.સીઝનલ આઇટમોના વેપારી દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં સિન્થેટિક કલરથી ત્વચાને થતા નુકશાનને લઈ લોકોમાં જાગૃતિ આવી છે અને હવે લોકો પાકા અને સિન્થેટિક કલરને બદલે ઓર્ગેનિક કલરનો રંગે રમવા વધુ ઉપયોગ કરી રહ્યા છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, પહેલાના સમયમાં કેસૂડાંના ફુલથી જ ધુળેટી રમતા જે હવે અમુક ગામોમાં જ સીમિત થઇ ગઈ છે. જો કે, હાલમાં બજારમાં કેસુડાના ફૂલો વાળા ડબ્બા આ વર્ષે મળતા થયા છે. આ ફૂલ ને પાણીમાં નાખતા જ પાણી કલરવાળું થઇ જાય છે .બાળકોમાં ડોરીમોન, છોટાભીમ ફેવરિટહોળી ધુળેટીના આ તહેવારમાં બાળકો ડોરીમોન અને છોટાભીમની પિચકારી ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ સાથે જ અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર અને ફ્યુઝન પ્રકારની પિચકારીની વધુ ડિમાન્ડ છે. સાથે જ આ વર્ષે ધુળેટીને લગતી તમામ વસ્તુને આવરી લેતું ગિફ્ટ હેમ્પર પણ માર્કેટમાં ઉપલબ્ધ છે જે 100 થી માંડીને 900 રૂપિયા સુધીનું મળે છે.આ વર્ષે આવ્યું કલરફુલ મેજીક ટીશર્ટહોળી ધુળેટીના આ તહેવારમાં આ વર્ષે પ્રથમ વખત મોરબીની માર્કેટમાં જાદુઈ ટીશર્ટ ઉપલબ્ધ છે. આ મેજીક ટીશર્ટ પહેરતા જ ટીશર્ટ ઉપર પાણી નાંખતા જ કલર ઢોળાયો હોય તેવું લાગે છે. સાથે જ મોરબીમાં આ વર્ષે રંગરસિયાઓ 100 ટન જેટલો કલર વપરાશ કરે તેમ હોવાનું વેપારી વર્તુળો જણાવી રહ્યા છે.