મોરબી : મોરબીમાં દોઢ માસ પૂર્વે ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી. આ આગમાં ઇજા પામેલાઓને સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરોએ નવજીવન આપ્યું છે. ઈટાકોન સિરામિકમાં લાગેલી આગમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા, રવિ આદ્રોજા વગેરે લોકો ખુબજ ગંભીર રીતે દાજી ગયા હતા. જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહેલા આ દર્દીઓ ખુબજ ગંભીર હતા. 50 થી 70 % જેટલું શરીર આગમાં ઇજા પામ્યું હતું. તમામ દર્દીઓને ઇન્ફેકશન પણ લાગી ગયું હતું. જયેશ વરમોરા નામના દર્દીને પંદર દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આમ ત્રણેય દર્દીની બચવાની શકયતા નહિવત હતી. ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના ડો. મયુર વાઘેલા (મેઈન સર્જન),ડો. કૃતાર્થ કાંજીયા (ઇન્ફેકશન સ્પેશિયલિસ્ટ), ડો. સંકલ્પ વણજારા તથા ડો. જેનીલ સિનોજીયા (ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ) તથા ICU નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફની મહેનત અને પ્રાર્થનાથી સતત દોઢ માસ સુધી આધુનિક મેડિકલ સારવારના કારણે, ત્રણેય હતભાગીઓ સ્વસ્થ થઈ ગયા છે. ડોકટરોના લીધે નવ જીવન પ્રાપ્ત કરી ઘરે પરત ફરતા તમામ દર્દીઓ અને એમના સગાઓએ ડોકટર અને નર્સિંગ સ્ટાફની સેવાને બિરદાવી હતી.