ડો.ડી.જી.સાગઠિયાની સમાજ પ્રત્યેની ઉદાર ભાવનાને વણકર સમાજ સમિતિએ બિરદાવી મોરબી : મોરબીમાં ડૉ. ડી.જી.સાગઠિયાએ મોરબી માળિયા વણકર સમાજ ભવન, સ્ટેશન રોડ, મોરબીની દુકાન વર્ષો પૂર્વે હરાજી-સુખડી પેટે રાખી હતી. હવે તેઓએ સમાજની આ મિલકત સમાજને પરત સોંપી છે. તેમની આ ઉમદા કામગીરીને વણકર સમાજ સમિતિના સભ્યો દ્વારા બિરદાવામાં આવી છે. જન્મભૂમિ ધોરાજી પણ પાંચ દાયકાથી મોરબી જેમની કર્મભૂમિ છે એવા સંપ સેવા અને સહકારના પર્યાય ડૉ. ડી.જી.સાગઠિયાએ મોરબી માળિયા વણકર સમાજ ભવન, સ્ટેશન રોડ, મોરબીની દુકાન નંબર-2 તા. 16-6-1994ના રોજ રૂ. 33,500માં સૌથી ઉંચી બોલી સાથે હરાજી-સુખડી પેટે રાખી હતી. જ્યાં ત્રીસ વર્ષથી એમનું ક્લિનિક ચાલતું હતું. સમાજની મિલકત સમાજને અર્પણ એવી ઉમદા ભાવના સાથે ડો. સાગઠિયાએ આ દુકાન માત્ર એ સમયે જે સુખડી પેટે રકમ ભરી હતી એ રકમ પરત કરતા સમાજની મિલકત એમણે સમાજને પરત સોંપી છે. જે આજના સમયમાં ખરા અર્થમાં અન્ય માટે પ્રેરણાપાત્ર છે. એમની આ ભાવનાને એ સમયે ઉપસ્થિત પ્રમુખ રામજીભાઈ ધાવડા, મંત્રી જે.ડી.સોલંકી, દાનાભાઈ ચૌહાણ, જેસિંગભાઈ પરમાર, કે.કે.ભંખોડીયા, દિનેશ પરમાર વગેરેએ બિરદાવી હતી.આજના સમયમાં આવી સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નિઃસ્વાર્થ અભિગમ પ્રશંશાને પાત્ર છે. ડૉ. ડી.જી.સાગઠિયા હંમેશા સામાજિક સેવા કાર્યમાં ઉદાર હાથે અનુદાન આપતા રહ્યા છે. અન્ય માટે પણ પ્રેરક આવી ઉમદા ભાવનાને મોરબી માળીયા અને ટંકારા વણકર સમાજના અગ્રણીઓ અને સભ્યો બિરદાવી હતી. સાથે જ એમના સુપુત્ર જીગ્નેશ સાગઠિયાનો પણ આભાર માન્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.