સરકારના 1170 રૂપિયા ટેકાના ભાવ સામે ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા મોરબી જિલ્લામાં ખેડૂતો ટેકાના ભાવથી દૂર રહ્યા મોરબી : ઓણસાલ મોરબી જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવામાં સરકારથી અંતર જાળવ્યું છે, સરકારના પ્રતિમણ રૂ.1170ના ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં ખેડૂતોને પ્રતિ મણ મગફળીના વધુ ભાવ ઉપજી રહ્યા હોય ખેડૂતોએ ઉધારમાં ધંધો કરવાનું મુનાસીબ માન્યું નથી. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા ગુજકોમાસોલના મોરબી જિલ્લાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે મોરબી જિલ્લામાં હળવદમાં 322, મોરબીમાં 239 અને સૌથી વધુ ટંકારા ખાતે 3211 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે તમામ ખેડૂતોને ખરીદી માટે એસએમએસ મોકલવા છતાં એક પણ ખેડૂત પોતાની મગફળી વેચાણ માટે આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે મોરબી જિલ્લામાં સારા વરસાદને પગલે કુલ 65215 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર કરાયું હતું અને ઉત્પાદન પણ સારું આવવાની સાથે ખુલ્લા બજારમાં ખેડૂતોને પ્રતિમણ મગફળીના રૂપિયા 1300 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યો છે જેથી મોટાભાગના ખેડૂતોએ ટેકાના ભાવથી દૂર રહી ખુલ્લા બજારમાં મગફળી વેચી રોકડી કરી ખુશખુશાલ બન્યા છે. જો કે ગુજકોમાસોલ દ્વારા હજુ પણ ટેકાના ભાવની ખરીદીના કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા છે.