પોલીસે દુષ્કર્મ અને છેડતીના બનાવો અટકાવવા હોટેલ અને રેસ્ટોરેન્ટ તેમજ રસગોલાના સંચાલકો સાથે બેઠક યોજી મહત્વની સૂચનાઓ આપી મોરબી : મોરબી સરાજાહેર છેડતી તેમજ દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓને કારણે ફરી કાયદો અને વ્યવસ્થાની ગાડી પાટે ચઢાવવા માટે ગઈકાલે પોલીસે શાળા-કોલેજ અને ટ્યુશન કલાસીસના સંચાલકો તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખો સાથે બેઠક કર્યા બાદ આજે હોટેલ અને રેસ્ટોરેન્ટ તેમજ રસગોલાના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને હોટેલ કે રેસ્ટોરેન્ટમાં કોઈપણ પ્રાઇવસી જળવાઈ રહે તેવી કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવા અને ખાસ કરીને હોટેલ કે રેસ્ટોરેન્ટમાં કપલ બોક્સ ન રાખવાની તાકીદ કરી હતી. ડીવાયએસપી ઝાલા અને એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ હોટેલ અને રેસ્ટોરેન્ટ તેમજ રસગોલાના સંચાલકો સાથે બેઠક કરીને જણાવ્યું હતું કે, હોટેલ અને રેસ્ટોરેન્ટમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશે તેના આઇડી પ્રુફ ફરજિયાત લેવાના રહેશે. જો કોઈ કપલ હોય તો બન્ને વ્યક્તિના આઇડી કાર્ડ ફરજિયાત લેવા, તેમાંય પુરુષ સાથે નાની ઉંમરની સગીરા હોય તો આઇડી કાર્ડ લઈ તેઓને પ્રાઇવસી રૂમ ન આપવો અને કપલ બોક્સ ન રાખવાની સૂચના આપી હતી. આમ છતાં પણ હોટેલ કે રેસ્ટોરેન્ટમાં કપલ બોક્સ હશે તો તેના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથેસાથે પોલીસે આપેલી સૂચનાનું પાલન થાય છે કે કેમ તેનું સમયાંતરે હોટલ અને રેસ્ટોરેન્ટમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાશે. હાલ પોલીસે દુષ્કર્મની ઘટના રોકવા માટે હોટલ અને રેસ્ટોરેન્ટમાં પ્રાઇવસી ન રાખવાની કડક સૂચના આપી છે અને અત્યારે પોલીસે ચેતવણી આપી હોય બાદમાં પોલીસ કાર્યવાહી કરશે એવો પણ નિર્દર્શ આપ્યો છે. જ્યારે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રસગોલા બજાર ભરાતી હોય ત્યાં રસગોલાના સંચાલકો રોડ ઉપર ખુરશીઓ અને ટેબલ ગોઠવતા હોવાથી આ ભરચકક વિસ્તારમાં રાત્રે ટ્રાફિક એટલો થાય છે કે ત્યાં નીકળવું મુશ્કેલ બની જાય છે. આથી પોલીસે રસગોલાના સંચાલકોને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી કોઈપણ વસ્તુઓ રોડ ઉપર ન રાખવાની કડક સૂચના આપી છે. તેમ છતાં ટેબલ અને ખુરશીઓ રાખવામાં આવશે તો તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી પોલીસે ચેતવણી આપી છે.