અઝાદીથી અત્યાર સુધીમાં ઘરથાળના પ્લોટ, સાથણીની જમીન, વૃદ્ધ પેન્શન, બીપીએલનો લાભ સહિત કોઈપણ જાતની સુવિધા મળી ન હોવાથી આ નિર્ણય જાહેર કર્યો મોરબી : આમરણ ચોવીસી હેઠળના જીવાપર આમરણ ગામના અનુસૂચિત જાતિના લોકોએ આઝાદીથી કોઈપણ જાતની સુવિધા ન મળવા મામલે આગામી ચૂંટણીનો બહિષ્કાર અને કોઈપણ રાજકીય પક્ષે મત માંગવા આવવું નહિ તેવા બેનેરો લગાવતા ચકચાર મચી ગઇ છે. જો કે અઝાદીથી અત્યાર સુધીમાં ઘરથાળના પ્લોટ, સાથણીની જમીન, વૃદ્ધ પેન્શન, બીપીએલનો લાભ સહિત કોઈપણ જાતની સુવિધા મળી ન હોવાથી આ નિર્ણય જાહેર કર્યો છે. જીવાપર (આમરણ) ગામના અનુસૂચિત જાતિના અગ્રણી મનુભાઈ આલાભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમારા ગામના અનુસૂચિત જાતિના લોકોને આઝાદીથી અત્યાર સુધી કોઈપણ જાતની સુવિધા ન આપીને તમામ રાજકીય પક્ષોએ અન્યાય કર્યો હોય એ અન્યાયનો જવાબ ચૂંટણીમાં આપવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં આઝાદીથી અત્યાર સુધીમાં ઘરથાળના પ્લોટ ન મળવા, સરકારી આવાસની સુવિધા ન મળવી, વૃદ્ધ પેન્શન સહાય ન મળવી, ગરીબ અને પછાત વર્ગના હોવા છતાં બીપીએલ કાર્ડ ન મળવા, સાથણીની જમીન ન મળવી, સ્મશાન માટે જવાનો રસ્તો ન હોય, ભુર્ગભ ગટર અને પાણીની લાઈન ન હોય સહિતની કોઈપણ સુવિધા ન મળતા દરેક રાજકીય પક્ષને મત માંગવા ન આવવા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર લગાવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.