અગાઉ કમિશન કાંડના વિડીયો વાયરલ થયા બાદ હવે પાલિકા પાસે 6000 સ્ટ્રીટ લાઈટ આવ્યા મામલે વિવાદ : કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ પાલિકા પ્રમુખના પતિ વિરુદ્ધ તાતા તિર છોડયા મોરબી : મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ કોઈપણ હોદા વગર વહીવટી દખલગીરી કરતા હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે, અગાઉ પાલિકાના કામોમાં કમિશનને લઈ વિવાદમાં આવેલા પાલિકા પ્રમુખના પતિ કે.કે.પરમાર દ્વારા એક નાગરિકને સ્ટ્રીટ લાઈટ મુદ્દે હુકારે... તુકારે વાણી વિલાસ કરતા ઓડિયો કલીપ વાયરલ થઈ છે અને આ મામલે કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશ રબારીએ પણ કે.કે.પરમારને સુપર પ્રમુખ ગણાવી તાતા તિર છોડયા છે. ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ કે.કે.પરમાર હમેશા કોઈને કોઈ વિવાદમાં સપડાઈ છે, થોડા સમય પૂર્વે ભાજપના જ સદસ્ય સાથે કમિશન મામલે બબાલ થવા અંગેનો વિડીયો વાયરલ થયા બાદ હવે એક નાગરિકે પોતાના વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા પાલિકામા રજુઆત કરવા છતાં પ્રશ્નનો નિકાલ ન આવતા પાલિકા પ્રમુખને ફોન કરતા પ્રમુખના બદલે તેમનાં પતિએ ફોન ઉપાડી અત્યારે સ્ટ્રીટ લાઈટ નથી આવશે અને તમારા વિસ્તારની દરખાસ્ત થશે ત્યારે નાંખવામાં આવશે તેવું કહ્યું હતું અને વાત વાતમાં જ પીતો ગુમાવી અરજદારને તુકારે હુકારે સંભળાવવા લાગતા આ ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બીજી તરફ આ મામલે કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રબારીએ વિવાદમાં ઝુકાવી જણાવ્યું હતું કે એક તરફ નગરપાલિકાના હોદેદારો 6000 સ્ટ્રીટ લાઈટ આવી ગયાના દાવા કરી રહ્યા છે ત્યારે અરજદારો જો પોતાના વિસ્તારની બંધ લાઈટ અંગે ફરિયાદ કરે તો તોછડું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ કેટલે અંશે વ્યાજબી, આ ઉપરાંત પાલિકામાં મહિલા પ્રમુખ હોવા છતાં પણ વહીવટી કામમાં તેમનાં પતિ જ ટાંગ અડાવી પ્રજાના સાચા પ્રશ્નો અંગે આવુ વર્તન કરે તે કેટલી વ્યાજબી બાબત છે તેવો પ્રશ્ન ઉઠાવી તાતા તિર છોડયા હતા.