ધન્વંતરી એ ચાર ભૂજાઓમાં આયુર્વેદ, ઔષધી, શંખ તથા અમૃત કુંભ ધારણ કરેલા છેમોરબી : હિન્દુ પુરાણો અનુસાર ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો વદ તેરસ એટલે કે ધન તેરસના દિવસે આરોગ્યના દેવતા ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું. સમુદ્ર મંથનમાંથી જે ચૌદ રત્નો પ્રાપ્ત થયાં હતા, તેનું પોતાનું આગવું મહત્વ છે. સાગર મંથનનું તેરમું રત્ન ધન્વંતરી છે. દેવોના વૈદ્ય તરીકે ઓળખાતાં ધન્વંતરી દેવને શ્રી વિષ્ણુનાં ૨૪ અવતાર પૈકી એક અવતાર રૂપ માનવામાં આવ્યાં છે. ધન્વંતરી એ ચાર ભૂજાઓમાં આયુર્વેદ, ઔષધી, શંખ તથા અમૃત કુંભ ધારણ કરેલા છે.ધન્વંતરીએ આયુર્વેદ નામના પાંચમાં વેદની રચના કરીને મનુષ્યો માટે તન-મનથી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો છે. આયુર્વેદ એ અથર્વ વેદનો ઉપવેદ પણ માનવામાં આવે છે. ધન્વંતરી પાસે રહેલા કુંભમાં સપ્ત ધાતુ છે, જે ધાતુઓ દરેક ગ્રહ સાથે સંકળાયેલી છે. તેમજ ધન્વંતરીની કથા રાહુ અને કેતુ ગ્રહ સાથે સંકળાયેલી છે.સાગર મંથનનું ચૌદમું અને છેલ્લું રત્ન અમૃત છે. અમૃત કળશ ધન્વંતરી હાથમાં લઈ સમુદ્રમાંથી બહાર પધાર્યા ત્યારે દૈત્યો તેમનાં હાથમાંથી આ કળશ લઈને ભાગી જાય છે. તે વખતે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ દાનવોને ભૂલાવામાં નાખી તેમની પાસેથી અમૃત લઈ દેવોને પીવડાવી દે છે.રાહુ અને કેતુ નામના બે અસૂરોને આ વાતની ખબર પડી જતાં તેઓ દેવનું સ્વરૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃતમાંથી ભાગ લઈ ગળામાં ઉતારે છે. ત્યાં જ સૂર્ય અને ચંદ્ર શ્રી વિષ્ણુને ફરિયાદ કરે છે. તેથી, વિષ્ણુ એ બંને દાનવોનાં મસ્તકને તેમનાં ધડથી અલગ કરી નાખ્યાં. રાહુ અને કેતુનાં મોમાં અમૃત હોવાને કારણે તેમનો નાશ નથી થતો પરંતુ આ બનાવ સૂર્ય અને ચંદ્રની ફરિયાદને કારણે બનેલો હોવાથી રાહુ અને કેતુને હંમેશા માટે સૂર્ય ચંદ્ર સાથે વેર બંધાઈ ગયું હતું.