આ કન્યાઓને સમાજ સ્વીકારશે નહીં, તેવી ચિંતાના લીધે શ્રીકૃષ્ણે તમામ સાથે વિવાહ કરીને તેઓનું સમાજમાં પુનઃ સ્થાપન કર્યુંમોરબી : કાળી ચૌદસનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. તેમજ નરકાસુર રાક્ષસે કેદ કરેલી સોળ હજાર જેટલી કન્યાઓને મુક્ત કરાવી હતી. આ દિવસે નરકાસુરના વધને લીધે તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી ગયો. તેથી, તમામ દેવો ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા. દેવતાઓની હાલત જોઈને શ્રીકૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા.નરકાસુરને શ્રાપ હતો કે, તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પટરાણી સત્યભામાની મદદથી નરકાસુરનો વધ કર્યો. નરકાસુરના મૃત્યુ બાદ સોળ હજાર સ્ત્રી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં અને તેઓનું સમાજમાં પુનઃ સ્થાપન કર્યું હતું. એટલે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની 16,008 રાણીઓ ગણવામાં આવે છે.