ધન તેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ ફળ આપતી હોવાની માન્યતામોરબી : આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં ધન તેરસ આવે છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધન તેરસના શુભ દિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી, તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ સોનાના ઘડા સાથે પ્રગટ થયા હતા. એટલે આયુર્વેદના દેવતા ધન્વંતરીની જન્મજયંતિ પણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે.વસ્તુઓની ખરીદીનું મહત્વધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસ પર ખરીદી કરે છે, તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધન તેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ ફળ આપે છે. ધન તેરસના દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે.આ દિવસે ખાસ તો સોનું-ચાંદી ખરીદવું, તે શુકનવંતુ ગણાય છે. ધન તેરસના શુભ સમય દરમિયાન વાસણો અને સોના-ચાંદી સિવાય વાહન, સ્થાવર મિલકતના સોદા, લક્ઝરી વસ્તુઓ અને અન્ય ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધન તેરસના દિવસે ખરીદેલી જંગમ મિલકત તેર ગણી વધી જાય છે.શ્રી લક્ષ્મીજીનું પૂજનધન તેરસના દિવસે શ્રી લક્ષ્મીજીના પૂજનનું મહત્વ છે. શ્રી સૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજી ભય અને દુ:ખમાંથી મુક્તિ આપે છે અને ધન-ધાન્ય અને અન્ય સુવિધાઓથી સજ્જ કરીને મનુષ્યને સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય આપે છે. એક કથા પ્રમાણે બલી રાજાનાં કારાગૃહમાં પુરાયેલા લક્ષ્મીજી તથા અન્ય દેવોને શ્રી વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. સમુદ્ર મંથન દ્વારા ધન્વંતરી દેવ અને માતા લક્ષ્મી બંને કળશ લઇને પ્રગટ થયા હતા.ધ્યાન તેરસજૈન આગમમાં ધન તેરસને ધન્ય તેરસ અથવા ધ્યાન તેરસ પણ કહેવામાં આવે છે. તિર્થનકર મહાવીર ધન તેરસના દિવસે ધ્યાન દ્વારા યોગ નિરોધ માટે ચાલ્યા ગયા હતા. ત્રણ દિવસનું ધ્યાન પછી યોગ નિરોધ થાય છે અને દીવાળીના દિવસે તેમને નિર્વાણ પ્રાપ્ત થાય છે. ત્યારથી આ દિવસ ધન્ય તેરસના નામથી પ્રસિદ્ધ થયો છે.યમ રાજાની કથાએક પૌરાણીક કથા પ્રમાણે યમ રાજાએ એક વખત પોતાના દૂતને પ્રશ્ન પુછ્યો કે ‘હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંત કાળથી પૃથ્વીલોકમાં મોકલું છું. તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?’ યમ દુતે જવાબ આપ્યો કે ‘એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે હતા અને મારે તેના પ્રાણ હરણ કરવા પડ્યા’. યમ રાજે ત્યારે વરદાન આપેલ કે ધન તેરસને દીવસે જે મનુષ્ય દીપમાળા કરશે, તેનો જીવન દીપ એ દીવસે બુઝાશે નહીં. આમ, આ દિવસે દીપ માળા પ્રગટાવનાર ભક્તો માટે યમ રાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કર્યું હોવાનું મનાય છે.