મોરબી : ભારતના દિવાળીના પર્વને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન મળ્યું છે. જેને લઈને દેશભરમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીના લાલકિલ્લા ખાતે પણ આજરોજ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના મણી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો દિવાળી પર્વ ઉજવાયો હતો. આ પ્રસંગે મણી મંદિરને તિરંગા લાઈટોથી શણગારી દેવામાં આવ્યું હતું. સાથે જ મણી મંદિરના ગેટથી લઈને અંદર સુધી આશરે 500 કિલો કલરમાંથી કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત 5000 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર, કલેકટર, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના હાજર રહ્યા હતા અને સૌએ સાથે મળીને મણી મંદિર ખાતે આરતી કરી હતી. આ તકે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગરબા અને રાસ રજૂ કરવામાં આવ્યા હતા. આ મોરબીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.મહત્વનું છે કે, ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્ત્વના પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો(UNESCO) એ દિવાળીના પર્વને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage - ICH)ની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.