મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત જૈન દેરાસરમાં આજે દર્શનાર્થીઓને પ્રભુનો સાક્ષાતકાર થયો હોય તેમ દિવ્ય ધ્વનિ સંભળાયો હતો. જૈન દેરાસર ખાતે વધુ એક વખત અમીઝરા પાર્શ્વનાથના ગર્ભગૃહમાં શ્રી આદિશ્વર ભગવાનના પબાસનમાંથી દિવ્ય ધ્વનિનો નાદ સંભળાયો હતો..ગર્ભગૃહમાંથી લગભગ 40 મિનિટ સુધી આ દિવ્ય ધ્વનિ સંભળાયો હતો. ત્યારે દેરાસરના ગુરુ ભગવંત પ.પૂ. દિવ્યયશ વિજયજી મ.સા.એ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન દેરાસરમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રતાપે આ જગ્યા પવિત્ર છે અને ભગવાન મોરબી ઉપર પ્રસન્ન હોય આ દિવ્ય ધ્વનિ સંભળાયો છે. ભક્તો દ્વારા દેરાસરમાં કરવામાં આવતી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે અને વારંવાર આ પ્રકારે દિવ્ય ધ્વનિ સંભળાય રહ્યો છે. જેથી આ દેરાસરનું પરિસર પવિત્ર થઈ ગયું છે. ભાનુયશ વિજયજી, મ.સા. તથા સાધ્વીજી શ્રી સંવેગરત્નાશ્રી જી મ.સા. આદિ થાણા તથા સકલ સંઘે દર્શનનો લાભ લીધો હતો. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા અને દોઢ મહિના પહેલા પણ આ પ્રકારનો દિવ્ય ધ્વનિ સંભળાયો હતો.