SPની આગેવાનીમાં 3 DySP, 15 PI, 32 PSI અને 400 જેટલા પોલીસ કર્મચારીઓએ માળિયા અને અન્ય 3 ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું : 1 પેરોલ જમ્પ કરનાર અને 2 વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયામોરબી : માળિયા મિયાણામાં ગયા મહિને નોંધાયેલા મર્ડર અને આર્મ્સ એક્ટના ગુનાને પગલે રેન્જ આઈજી કોરડિયાની સૂચનાથી અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની આગેવાનીમાં આજે માળિયા મિયાણામાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસને મોટા પ્રમાણમાં હથિયારો અને ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બપોરે 3:30 વાગ્યાથી લઈને 6:00 વાગ્યા સુધી માળિયા અને અન્ય 3 ગામોમાં આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ મેગા કોમ્બિંગમાં 3 DySP, 15 PI, 32 PSI અને 400 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને BDDS ની ટીમ પણ સાથે રાખવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન, 1 દેશી બનાવટનો કટ્ટો, 23 જીવતા કારતૂસ, 3 એર ગન, 70 જેટલા ઘાતક હથિયારો (જેમાં તલવાર, ભાલા, છરા, ચપ્પા અને ધોકા), 100 જેટલા ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ અંગે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તેનો ઉપયોગ કોઈની સાથે છેતરપિંડી કરવા માટે થતો હોઈ શકે છે, જે દિશામાં હાલ વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.હથિયારો ઉપરાંત પોલીસે આ કોમ્બિંગ દરમિયાન 1 પેરોલ જમ્પ કરનાર આરોપી અને 2 નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી લીધા છે. અગાઉ શરીર સંબંધી અને હથિયારના ગુનામાં પકડાયેલા 68 જેટલા આરોપીઓના ઘરે જઈને રૂબરૂ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન 36 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને 11500 રૂપિયાનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પીજીવીસીએલ (PGVCL) ના 3 ગેરકાયદેસર કનેક્શન પણ ઝડપી પાડવામાં આવ્યા છે. પીજીવીસીએલના અધિકારીઓને બોલાવીને કાર્યવાહી કરાવવામાં આવી છે, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે.પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે નાની-નાની બાબતોમાં થતા ઝઘડાઓ અને જૂની અદાવતોના કારણે થતા મર્ડર અટકાવવા માટે પોલીસ સતત કાર્યરત છે. આગામી સમયમાં આવતી રથયાત્રા અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવા કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #MaliyaCombing #MorbiPolice #MukeshkumarPatel #GujaratPolice #CrimeNews #MegaCombing #FakeGoldBiscuits #IllegalWeapons