નિમંત્રણમાં તમામ ચેરમેનમાં નામ લખાયા, માત્ર સિંચાઈ ચેરમેન અજય લોરીયાનું નામ ન લખાતા જૂથવાદ વકરવાની શકયતામોરબી : મોરબી જિલ્લાના રાજકારણમાં ચાલતો જૂથવાદ ફરી સક્રિય થયો હોય તેમ જિલ્લા પંચાયતના લોકાર્પણ- ખાતમુહૂર્તમાં એક ચેરમેનની બાદબાકી કરી દેવામાં આવી છે. જેનાથી આ ચેરમેનનું જૂથ નારાજ થયું હોય ભડકો થવાના એંધાણ વર્તાય રહ્યા છે. મોરબી જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલે શનિવારના રોજ માળિયા વનાળિયામાં નવી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ક્રિષ્ના સિરામિક ખાતે સવારે 10 કલાકે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રૂ.4.18 કરોડના ખર્ચે 66 કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે જિલ્લા પંચાયત દ્વારા ઇ-નિમંત્રણ પત્રિકા પણ તૈયાર કરવામાં આવી છે. આ ઇ-નિમંત્રણ પત્રિકામાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ સોનગ્રા, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન મેરાભાઇ વિઠ્ઠલાપરા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ લીલાબેન પરમાર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ચંદ્રિકાબેન કડીવારના નામનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાના નામની બાદબાકી કરી દેવામાં આવી છે. એક ચર્ચા મુજબ ધારાસભ્ય કાંતિલાલ અને ચેરમેન અજય લોરીયા વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો છે. તેવામાં જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં ચેરમેનની જ બાદબાકી થઈ જતા અજય લોરીયા જૂથ નારાજ થયું હોવાના વાવડ મળી રહ્યા છે. વધુમાં આવતીકાલે ભડકો થાય તેવા પણ એંધાણ વર્તાય રહ્યા છે.