મોરબી: મોરબી જિલ્લા પંચાયત મોરબીના સદસ્યા હફીજાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા કાર્યપાલક ઇજનેર, સિંચાઇ વિભાગ, લાલબાગ મોરબીને લેખિત રજૂઆત કરાઈ છે. જેમાં વાંકાનેર તાલુકાના ખેડૂતોને મચ્છુ ડેમ-1 ની નહેરમાંથી લીફ્ટ ઇરીગેશન (પાણી ઊંચકીને સિંચાઈ) કરવાની મંજૂરી આપવા અપીલ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે મચ્છુ ડેમ-1 ભરાઈ જવાથી રવી સિઝનમાં વાવેતર કરીને ગુજરાન ચલાવવાની ખેડૂતોમાં આશા જાગી છે. જોકે, નહેરના સેક્શન ઓફિસર દ્વારા વર્ષોથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા લીફ્ટ ઇરીગેશન કરતા ખેડૂતોને અચાનક ના પાડવામાં આવી છે.સેક્શન ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માત્ર સને 1983ના વર્ષની મંજૂરીની પહોંચ ધરાવતા ખેડૂતો જ લીફ્ટ ઇરીગેશન કરી શકશે. આનાથી જે ખેડૂતોએ હાલમાં જ વાવેતર કર્યું છે અને જ્યાં કુંડી દ્વારા ડાયરેક્ટ પાણી પહોંચતું નથી તેવા ખેડૂતોમાં ભારે કનડગત ઊભી થઈ છે. સદસ્યાએ સવાલ ઉઠાવ્યો છે કે શું સરકારનો ખરેખર એવો કોઈ પરિપત્ર છે કે માત્ર 1983ની પહોંચવાળા ખેડૂત જ સિંચાઈ કરી શકે? જો આવો કોઈ પરિપત્ર હોય તો તેની નકલ પૂરી પાડવા માંગણી કરી છે.અંતમાં, હફીજાબેને અધિકારીઓને નમ્ર અપીલ કરી છે કે વર્ષોથી લીફ્ટ ઇરીગેશન કરતા ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે અને સેક્શન ઓફિસર દ્વારા ખોટી રીતે હેરાનગતી ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરાય. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે અને ખેડૂતોના વાવેતરને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લગત અધિકારીની રહેશે, અને ખેડૂતો ન્યાય માટે નામદાર કોર્ટનો સહારો લેવા મજબૂર થશે. આ પત્રની નકલો મુખ્યમંત્રી, સિંચાઇ વિભાગ મંત્રી, રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા અને મોરબી કલેકટરને પણ રવાના કરવામાં આવી છે.