ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિ: બાળકો સાથે બેસીને મધ્યાહ્નન ભોજન ગ્રહણ કર્યુંમોરબી: ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ પર આધારિત મોરબી જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન શનિવારના રોજ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વધુમાં વધુ પોષણયુક્ત વાનગીઓ આપી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો હતો.કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા, મોરબી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ત્રણ નંબર મેળવનાર કુલ 17 સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ પોતાની વાનગીઓ બનાવી હતી. સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો, ઢોકળા, સરગવાના મુઠીયા, બાજરીના ગોલ ગપ્પા, પંચ રત્ન ખીચડી, પાલક મુઠીયા, થેપલાં, પુરણ પોળી જેવી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓ રજૂ કરી હતી.જેમાં પ્રથમ નંબર પર લુંટાવદર શાળાના મિત્તલબેન રાધુરા, દ્વિતીય નંબર પર આમરણ શાળાના હેતલબેન કાંસુંદ્રા તેમજ તૃતીય નંબર વાંકાનેર કન્યા શાળાના વિજયાબેન વાઘેલા અને હળવદની લીંબાધાર શાળાના ગીતાબેન દલવાડીએ મેળવ્યો હતો. ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને સંગઠનના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ આ કુકિંગ કોમ્પિટિશનની ઓચિંતી મુલાકાત લીધી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તમામ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને બાળકો માટે બનાવવામાં આવતા પોષણયુક્ત આહારની ગુણવત્તાની પ્રશંસા કરી હતી. સૌથી પ્રેરક ક્ષણ એ હતી કે, ધારાસભ્યએ બાળકો સાથે નીચે બેસીને બાળકોની થાળીમાં જ મધ્યાહ્નન ભોજન ગ્રહણ કર્યું હતું. તેમણે શાળાની સુંદર પ્રવૃત્તિ તેમજ તમામ મધ્યાહ્નન ભોજન સંચાલકોની કામગીરીને બિરદાવી હતી.કુલ છ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 ગુણમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા. નિર્ણાયક તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા, પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, મુખ્ય સેવિકા વર્ષાબેન સોંલકી, નાયબ મામલતદાર પાયલબેન સોરીયા, સી.આર.સી. કો.ઓર્ડીનેટર ઉમેશભાઈ પટેલ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સેવા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન અને વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ જયેશભાઇ જાની, સતિષભાઈ ગોહિલ તેમજ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદ્દેદારો મહાદેવભાઈ ઉંટવડિયા (પૂર્વ પ્રમુખ), બળવંતભાઈ સનારીયા (હાલના અધ્યક્ષ) અને હર્ષદભાઈ ઉંટવડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.