મોરબી : ઉધારે માલ ખરીદીને સમયસર નાણાં ન ચૂકવતા વેપારીઓ માટે મોરબીની અપીલ કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. અમદાવાદના એમ.એમ. ટ્રેડર્સના વહીવટકર્તા ગૌરાંગ મનુભાઈ મહેતાને ચેક રિટર્ન કેસમાં નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી એક વર્ષની સજાને મોરબીની અપીલ કોર્ટે યથાવત રાખી છે અને તેમની અપીલ ફગાવી દીધી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌરાંગ મનુભાઈ મહેતાએ મે. સીતારામ ઇન્ડસ્ટ્રીઝ (ફરિયાદી) પાસેથી રૂની ગાસડી ઉધારે ખરીદી હતી. આ ખરીદીના લેણા પેટે તેમણે રૂ. ૧,૬૬,૮૭,૧૬૪/- (એક કરોડ છાસઠ લાખ સીતાસી હજાર એકસો ચોસઠ પૂરા) ના બે ચેક આપ્યા હતા. આ ચેક રિટર્ન થતાં, ફરિયાદીએ મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી બાદ, મોરબીના જ્યુડિશિયલ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટે આરોપી ગૌરાંગ મનુભાઈ મહેતાને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂ. ૧,૬૬,૮૦,૧૬૪/- નો દંડ ફટકાર્યો હતો. આ હુકમ સામે આરોપીએ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.અપીલની સુનાવણી દરમિયાન, ફરિયાદીના મોરબીના વકીલ અશ્વિન વી. બડમલીયાની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને, ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પી.વી. શ્રીવાસ્તવે આરોપીની અપીલને ફગાવી દીધી હતી. નીચલી કોર્ટે ફટકારેલી એક વર્ષની સજાના હુકમને અપીલ કોર્ટે કાયમ રાખ્યો છે. આ સાથે, કોર્ટે આરોપીને ૧૫ દિવસની અંદર સજા ભોગવવા માટે હાજર થવાનો આદેશ પણ આપ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે મોરબીના વકીલ અશ્વિન વી. બડમલીયા રોકાયેલ હતા.