ખરાબ હવામાન વચ્ચે પણ રેસ્ક્યુ માટે NDRF ની ટીમ રવાના; કલેક્ટરે ફસાયેલા લોકોને આપી ધીરજ અને સાંત્વનાહળવદ (મોરબી અપડેટ) : મોરબી જિલ્લામાં અતિભારે વરસાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા એક-એક નાગરિકની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર પળેપળનું મોનિટરિંગ કરીને રાહત-બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. ત્યારે હળવદ તાલુકાના માલણીયાદ ખાતે પૂરના પાણી વચ્ચે ફસાયેલા નાગરિકોની સ્થિતિ જાણી તેમનું મનોબળ જાળવી રાખવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ રૂબરૂ ટેલિફોનિક સંવાદ કર્યો હતો. કલેક્ટરે સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવી નાગરિકોને સહેજ પણ ગભરાયા વગર ધીરજ રાખવા સાંત્વના પાઠવી હતી.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા ત્વરિત નિર્ણય લઈને NDRF ની ટીમને માલણીયાદ બોલાવવામાં આવી છે. થોડા જ સમયમાં ઘટનાસ્થળે પહોંચી NDRF ની ટીમ દ્વારા તમામ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.