મોરબી : મોરબીના મચ્છુ 2 ડેમની કેનાલ શહેરી વિસ્તારમાં રોડ ઉપર થી નીકળે છે. તો આ કેનાલ અન્ડર ગ્રાઉન્ડ કરી નાખવામાં આવે તો ટ્રાફિકના પ્રશ્ને ઘણી રાહત થઈ શકે છે. ત્યારે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ રજુઆતમાં તમામ ડેમોમાં પાણી નાખવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં રવાપર ચોકડી અને લીલાપર રોડ, લીલાપર થી કંડલા બાયપાસ સુધીના રોડની બાજુમાં ઍટલે કૅ મોરબી શહેરી એરિયાની વચ્ચે નીકળતી મચ્છુ-૨ મેઇન કેનાલ આર.સી.સી. અંડરગ્રાઉંડ કરવા માટે અગાઉ પણ સરકારને રજૂઆત કરેલ હતી જે રજૂઆતને સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ. આ કેનાલ ની એક સાઈડ રોડ હાલમાં ચાલુ છે. આ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાથી બંને સાઈડ રોડ ચાલુ થઈ શકે તેમ છે. આ રોડ અતિ ટ્રાફિક વાળો રોડ હોય ઘણી વખત બે-બે કલાકની વાહનોની લાઈનો પણ થતી હોય છે. તો આ ટ્રાફિકની સમસ્યામાંથી પણ શહેરીજનોને મુક્તિ મળે તેમજ ઘણા યુવાનો અને બાળકો કેનાલના પાણીમાં ડૂબી જઇ મૃત્યુ પામ્યા છે જેથી પણ આ કેનાલ સત્વરે અંડરગ્રાઉન્ડ થાય તે જરૂરી છે. તો આવતા બજેટમાં આ કેનાલને આર.સી.સી. અંડર ગ્રાઉન્ડ કરવા ગ્રાન્ટ મંજૂર કરવામા આવે તેવી માંગ છે. વધુમાં જણાવાયું હતું કે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમ તથા ડેમી-2 અને હળવદ તાલુકાનાં ઘોડાધ્રોઈ ડેમને સાંકળતા ગામોના ખેડૂતોને ચોમાસુ પાક ઉગાડવા માટે પાણીની જરુરીયાત હોય ઉપરોક્ત ત્રણેય ડેમોમાં તાત્કાલિક પાણી નાખવામા આવે તેવી માંગ છે.