કોંગ્રેસના લીધે નગરપાલિકાનું બજેટ મંજુર ના થતાં કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી : રાઘવજીભાઇ ગડારા મોરબી : મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ મોરબી નગરપાલિકાના કામોમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના મતે નગરપાલિકાનું બજેટ મંજુર ના થતાં કોંગ્રેસના પાપે આ કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી. આ અંગે મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાનું બજેટ બોર્ડ ગત તારીખ-24-08-20ના રોજ મળેલ હોય, તેમાં કોંગ્રેસસાસિત નગરપાલિકાના કોંગ્રેસના જ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ગેરહાજર રહી બજેટ મંજુર થવા દીધેલ નથી. જો બોર્ડમાં બજેટ મંજુર થાય તો જ શહેરના પ્રજાના વિકાસલક્ષી કામો થઈ શકે. ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોય આજે નગરપાલિકાના ભંડોળમાં કરોડો રૂપિયા જમા હોય તેમ છતા બજેટ મંજુર ના થતાં હાલ ચાલી રહેલી કોરોના મહામારી તેમજ અતિવૃષ્ટિ જેવી વિકટ પરિસ્થિતીમાં પણ કોંગ્રેસના પાપે આ કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પણ પ્રજાના હિતમાં અને વિકાસના કામ માટે બજેટ મંજૂર કરાવવા પૂરેપૂરો સહકાર આપવા તૈયાર હોય પરંતુ જે સત્તા ઉપર છે તે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો જ બોર્ડમાં ગેરહાજર રહી કેમ બજેટ મંજૂર થવા દેતા નથી? આ બાબતે કોંગ્રેસનાં આગેવાનો એટલે કે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખને આ બાબતની ખબર છે કે નથી? અને જો આ બાબતની જાણ હોય તો ગેરહાજર રહેલ સભ્યો સામે કડક પગલા કેમ નથી લેવાયા? આ દરેક સવાલોનો જવાબ કોંગ્રેસ પાર્ટી પ્રજા સમક્ષ રજૂ કરે. આ જ કોંગ્રેસ પાર્ટી જ્યારે ચૂંટણી આવશે ત્યારે પ્રજા સમક્ષ વોટ માંગવા નીકળશે. પ્રજા આવી મેલી નીતિ ધરાવતી કોંગ્રેસને ઓળખે, તેમ રાઘવજીભાઇ ગડારાએ એક યાદીમાં જણાવ્યું છે.