છેલ્લા કેટલાક સમયથી ગંદુ, પીળું અને દુર્ગંધયુક્ત પાણી આવતા બાળકોમાં રોગચાળો ફેલાયો, તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય : તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ અપાયુંમોરબી : મોરબી શહેરમાં વોર્ડ નં.6માં પીવાના પાણીની વ્યવસ્થા કથળી રહી છે. છેલ્લા ઘણા સમયથી અહીં અનિયમિત અને અત્યંત દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના વપરાશથી બાળકો સહિતના લોકો બીમાર પડી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆતોનો કોઈ નિકાલ ન આવતા આખરે સ્થાનિક મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને જો આગામી 15 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આ જ ગંદુ પાણી મહાનગરપાલિકામાં આપવાની ચીમકી ઉચ્ચારી છે.આ અંગે સ્થાનિક મહિલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ શેરી, બક્ષી શેરી, પારેખ શેરી, ઘંટી આપા, નાની સુથાર શેરી અને નાની પારેખ શેરી સહિતના વિસ્તારોમાં છેલ્લા અઢી મહિનાથી પાણીની સમસ્યા છે. છેલ્લા 15 દિવસથી તો સાવ પીળું, કાળું અને વાસ મારતું પાણી આવે છે. આ દૂષિત પાણીના કારણે છોકરાઓ માંદા પડે છે, ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદો વધી છે. અમે મહાનગરપાલિકાનો ટેક્સ અને વેરો સમયસર ભરીએ છીએ તો અમારી એક જ માંગ છે કે અમને ચોખ્ખું પાણી આપો. રજૂઆતો કરવા છતાં કોઈ જવાબ નથી મળતો. અમે 15 દિવસનો સમય આપીએ છીએ, નહીંતર અમે આ જ પાણી મહાનગરપાલિકામાં આપીશું કે તમે પી જુઓ. આશરે 1500 મકાનોમાં આવું જ ખરાબ પાણી આવે છે.અન્ય એક સ્થાનિક મહિલાએ પાણીના અનિયમિત સમય અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહી 2000 જેટલા ઘરો છે પણ પાણી આપવાનો કોઈ જ નક્કી સમય નથી. ચોખ્ખું પાણી તો આવતું જ નથી, પણ સમયસર પણ નથી મળતું. ક્યારેક 7 વાગ્યે તો ક્યારેક 10 વાગ્યે પાણી આવે છે. પાણી છોડવાવાળો વ્યક્તિ ક્યારે પાણી આપે છે તેની કોઈને ખબર પડતી નથી. પાણી કેટલી વાર આવશે તેનો પણ કોઈ મેળ નથી, ક્યારેક અડધી કલાક, ક્યારેક કલાક તો ક્યારેક 15 મિનિટમાં જ પાણી બંધ કરી દે છે. આ બાબતે રજૂઆતો કરી છતાં કોઈ જવાબ આપતું નથી. પાણીના કોઈ ઠેકાણા ન હોવાથી અમારે બહાર જવું હોય કે ઘરના કામ કરવા હોય તો ભારે મુશ્કેલી પડે છે.સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને રજુઆત પણ કરાઈમોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા, દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા તથા વોર્ડ નં. ૬ ના લત્તાવાસીઓ દ્વારા કલેક્ટર અને મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અરજીમાં જણાવાયું છે કે, ગૌરાંગ શેરી, પારેખ શેરી, ઘંટીઆપા, લક્ષ્મીનારાયણ શેરી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટર જેવી ભારે દુર્ગંધ આવે છે. રોગચાળો ફેલાવવાની દહેશત વચ્ચે તંત્ર દ્વારા જો તાત્કાલિક પાણી અને ગટરની લાઈનનું તપાસ કરી જરૂરી રિપેરિંગ કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તેમજ આ દૂષિત પાણીથી કોઈ નાગરિકના આરોગ્યને નુકશાન થશે કે કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ પણ કરાયો છે.#Morbi #MorbiUpdate #WaterIssue #MorbiNews #MorbiNagarpalika #LocalNews #GujaratNews #PublicIssue