કાલથી વી.સી. હાઇસ્કૂલનું સેન્ટર પણ બંધ કરાશે : હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે મોરબી : મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓને હવેથી રેમડેસીવીર ઇન્જેક્શન નહિ મળે. જેના પગલે આવતીકાલે બુધવારે વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર પણ બંધ કરી દેવામાં આવશે. કાલથી જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ત્યાંથી જ ઇન્જેક્શન મળી રહે તેવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં છે. જેને પગલે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ મોટા પ્રમાણમાં છે. સામે સરકાર દ્વારા જરૂરિયાતથી ઓછી સંખ્યામાં રેમડેસીવીર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંગે કલેક્ટર તંત્રમાંથી મળતી વિગત અનુસાર આવતીકાલે બુધવારથી મોરબીમાં હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન મળશે નહીં. માત્ર હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઇન્જેક્શન મળી રહેશે. હોસ્પિટલોને આ ઇન્જેક્શન કઈ રીતે મળશે તે અંગે અલગથી જાણ કરવામાં આવશે. વધુમાં આવતીકાલથી હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ બંધ કરવામાં આવતું હોય વી.સી. હાઇસ્કૂલ ખાતે જે સેન્ટર છે તે પણ બંધ રહેશે.