વાંકાનેર : રાજકોટ રેલવે મંડળ દ્વારા રાજકોટ સહિત વાંકાનેર રેલવે સ્ટેશન પર કામ કરતા ત્રીજા વર્ગના કર્મચારીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વવ્યાપી બની ગયેલી કોરોના મહામારીને કારણે ભારતમાં જાહેર પરિવહનનું સરળ સાધન મનાતું રેલવે તંત્ર હાલ તેમની પેસેન્જર સેવા સ્થગિત કરી ચૂક્યું છે. ત્યારે રેલ કર્મચારીઓ માટે હર હંમેશ સંવેદનશીલ રહેતું રેલવે તંત્ર ત્રીજા વર્ગના એવા કર્મચારીઓ માટે આગળ આવ્યું છે. જે કોન્ટ્રાકટ બેઝ પર કામ કરી રહ્યા છે. રેલવે મંડળ દ્વારા રાજકોટ અને વાંકાનેર રેલવે સ્ટેશન પર કામ કરતા કુલીઓ, સફાઈકર્મીઓ, માલ સમાન ચડાવતા ઉતરાવતા મજૂરો સહિતના 90 કોન્ટ્રાકટ બેઝ પર કાર્ય કરતા લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં લોટ, મગદાળ, તેલ, મીઠું, ચોખા, ખાંડ, બટેટા, ડુંગળી સહિતની ખાદ્યસામગ્રી પુરી પાડવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા વાણિજ્ય, આરોગ્ય અને આવાગમન વિભાગના કર્મચારીઓ દ્વારા સ્વૈછિક ફાળો એકત્રિત કરી આ કીટ બનાવવામાં આવી હતી. આ કીટ વિતરણ પ્રસંગે રાજકોટ મંડલના મુખ્ય વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, સહાયક વાણિજ્ય પ્રબંધક રાકેશકુમાર પુરોહિત અને અસલમ શેખ સહિતના રેલકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મંડલના રેલ પ્રબંધક પરમેશ્વર ફૂંકવાલે રેલકર્મીઓ દ્વારા કરવામાં આવેલા આ કામની પ્રસંશા કરી હતી અને ભવિષ્યમાં આવા સમાજ ઉપયોગી કાર્ય કરતા રહેવાનો અનુરોધ કર્યો હતો.