સખીમંડળ દ્વારા કોરોના અને રસીકરણ માટે જનજાગૃતિના પગલાં મોરબી : મોરબી નગરપાલિકા અને સખીમંડળો દ્વારા કોરોના અને રસીકરણ અંગે જનજાગૃતિ લાવવાની સાથે રાહતદરે સેનેટાઈઝર અને માસ્ક વિતરણ કરવા કેમ્પનું આયોજન કરાયું હતું. દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના સખીમંડળો સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષથી આ રોગચાળા સામે લડવામાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. ફેસ માસ્ક, સેનીટાઈઝર, પી.પી.ઈ.કીટ વિગેરે ઉત્પાદિત કરી વિતરણ કરવામાં તેમજ સ્થાનિક સમુદાય ના રસોડાઓ દ્વારા બેઘર, સ્થળાંતરિત અને નિર્બળ લોકોને ભોજન પૂરું પાડવામાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. કોવિડ-19 ના પ્રભાવને દુર કરવાના નિવારક પગલા તરીકે જન સમુદાયને માસ્ક પહેરવા, સાબુથી નિયમિત હાથ ધોવા અથવા સેનીટાઈઝ કરવું અને સામાજીક અંતર જાળવવું તેમજ રસી મુકાવવા જેવી કાળજી રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગરૂકતા લાવવા મંડળની બહેનો પોતે અને આસપાસના લોકોમાં આ જાગરૂકતા લાવવા ભૂમિકા ભજવે તે સરાહનીય છે. આવા જ શુભાશયથી મોરબી નગરપાલિકામાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના કર્મચારીઓએ મંડળના બહેનોને સાથે રાખી તેઓ દ્વારા ઉત્પાદિત માસ્ક તથા સ્થાનિક સંસ્થાઓનો સહયોગ મેળવી N95 માસ્ક, સર્જિકલ માસ્ક અને સેનીટાઈઝરનું રાહતદરે વિતરણ કરવાની સાથે સાથે રસીકરણ અંગે જાગરૂકતા લાવવા માટે એક કેમ્પનું આયોજન કરેલ. જેમાં ઈ.ચા.ચીફ ઓફિસર, સંસ્થાઓના સભ્યો, મંડળના બહેનો અને એન.યુ.એલ.એમ. ટીમે હાજર રહી લોકોને વસ્તુ વિતરણ સાથે તેઓનો વારો આવે ત્યારે રસી અવશ્ય મુકાવે તે અંગે જાગરૂકતા લાવવા પ્રયત્ન હાથ ધરેલ. અને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી એનયુએલએમ ટીમ દ્વારા મંડળના મુખ્ય પ્રતિનિધિને જોડી એક વોટ્સએપ ગ્રુપ તૈયાર કરેલ છે જેમાં આવી સમગ્ર માહિતીનું આદાન-પ્રદાન કરી વધુમાં વધુ લોક જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.