મોરબી : મોરબી કચ્છ બાયપાસ ઉપર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભરતનગરમાં સિમ્પોલો ગ્રુપ સંચાલિત કોવિડ સેન્ટરોમાં દર્દીઓને લીલા નાળિયેરનું પાણી પીવડાવાની સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષણદાસજી સ્વામીના આર્શીવાદથી સ્વામિનારાયણ ગુરુકુલ મોરબીના સંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા નિલકંઠદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સંતો તયો યુવાનો દ્વારા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને લીલા નાળિયેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના ભરત નગરમાં સિમ્પોલો ગ્રુપ દ્વારા વિનામૂલ્ય ચાલતા કોવિડ કેર સેન્ટરમાં ડોકટરો તથા પેરામેડિકલ સ્ટાફ સારી એવી સેવા કરી રહ્યા છે. આ પ્રસંગે દર્દીઓને સ્વામીએ કહ્યું હતું કે, મનથી મજબૂત રહી, ધીરજથી આવી પડેલા કપરા સમયને થોડા સમય માટે સહન કરી ભગવાનને પ્રાર્થના કરીએ જલદીથી આપ સૌને તેમજ દેશ અને દુનિયામાંથી કોરોના મહામારી જલદીથી દૂર થાય. વધુમાં, સ્વામીએ કહ્યું હતું કે અમારી મૂળ શાખા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા દરરોજ ૮૯૦ દર્દીઓને ભોજન પ્રસાદ સિવિલ હોસ્પિટલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમરસ હોટેલમાં ઉભા કરાયેલ કોવિડ સેન્ટરમાં ભોજન સેવા કરાઇ રહી છે. કોરોનાથી બચવા માટે આયુર્વેદિક કીટનું વિતરણ પણ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે.