વિવિધ દાતાઓના સહયોગથી 40 હજાર ચોપડાનું વિતરણ : માત્ર ત્રણ કલાકમાં સ્ટોક પૂર્ણ હળવદ : હળવદ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિદ્યાર્થીઓને અને વાલીઓને મદદરૂપ થવા માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.આજના સ્વાર્થી યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાનું ભલું વિચારે છે ત્યારે છોટા કાશી હળવદ સેવા ગ્રુપના યુવાનો નિસ્વાર્થ ભાવે સમાજની સેવા માટે પ્રયત્નશીલ છે.આ ગ્રુપના યુવાનો વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ આપે છે જેમ કે આપત્તિ કાળમાં રાહત કાર્ય, અનાથો અને વૃદ્ધો માટે સહાય,ભોજન અને કપડાનું વિતરણ સહિતના કાર્યો કરી આ ગ્રુપ સમયાંતરે અનેક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જરૂરિયાત મંદ સુધી મદદ પહોંચાડે છે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને અભ્યાસ ખર્ચ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગીય કુટુંબના બાળકો માટે અભ્યાસ ખર્ચ ઉંચો થતો જાય છે આ જટીલ પરિસ્થિતિમાં શહેરના ભાવની મેડિકલ સામે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ગયા વર્ષથી વધુ આ વર્ષે 40 હજાર પ્રીમિયમ ક્વોલિટીના ચોપડાનું વિતરણ કર્યું હોવાનું ગ્રુપના સ્થાપક અજુભાઈ ઠાકોરએ જણાવ્યું હતું.