મોરબી જિલ્લાની 14 જેટલી કોલેજોને 50-50 વિધાર્થીઓને ફરજીયાત હાજર રહેવાનો આદેશ આવતા પ્રિન્સિપાલ અને શિક્ષકોમાં કચવાટ, હાલ વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભેગા કરવા તે અંગે પ્રિન્સિપાલ અને શિક્ષકોમાં ભારે ગણગણાટ મોરબી : જસદણના આટકોટ ખાતે 28મીએ યોજનાર પીએમ મોદીના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા માટે તંત્ર રીતસર ઉઘામાથે થયું છે અને સૌરાષ્ટ્રની તમામ કૉલેજોના પ્રિન્સિપાલ અને શિક્ષકોને પીએમ મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને હાજર રાખવાના અદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાની 14 જેટલી કોલેજોના આરચાર્યને તેમની કોલેજના 50-50 વિધાર્થીઓને ફરજીયાત હાજર રહેવાનો આદેશ આવતા હાલ વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભેગા કરવા તે અંગે પ્રિન્સિપાલ અને શિક્ષકોમાં ભારે કચવાટ સર્જાયો છે. પીએમ મોદીના કાર્યક્રમમાં મોરબી જિલ્લાની 14 જેટલી કોલેજોને ફરજીયાત વિદ્યાર્થીઓને હાજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આ દરેક કોલેજના 50-50 વિદ્યાર્થીઓને હાજર રાખવાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને હાજર રાખવાનું કામ જે તે કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાની કોલેજોની વાત કરીએ તો મોરબીની એમ.પી.પટેલ બી.એડ એન્ડ સાયન્સ કોલેજ, મોરબીની શ્રમિતિ જે.એ.પટેલ મહિલા કોલેજ, ટંકારાની ઓ.આર. ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજ, મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજ, મોરબીની સર્વોપરી સાયન્સ કોલેજ, હળવદની પારગંત કોલેજ, મોરબીની ઓમ.વી.વી.આઇ.એમ.કોલેજ, ટંકારાની એલિટ કોલેજ, હળવદની તક્ષશિલા બી.એડ કોલેજ, મોરબીની એપેક્ષ બી.એડ કોલેજ, મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી, ટંકારાની મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજ, વાંકાનેરની દોશી કોલેજ, હળવદની ડી.વી.રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને આ પ્રકારના આદેશો આવ્યો છે. આ કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષકોમાં કચવાટ એ બાબતનો છે કે, હાલ વેકેશનનો સમય છે. એટલે વિદ્યાર્થીઓ ઘરે પણ હાજર ન હોય ત્યારે આવા સમયે તંત્રના આ ફરજીયાત નિયમથી પ્રિન્સિપાલ અને શિક્ષકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.