વેતન વધારો તેમજ અનેક ખર્ચના બિલો ચૂકવાયા ન હોય તે સહિતના પ્રશ્નોનો દિવસ 10માં નિકાલ કરી આપવાની માંગમોરબી : આંગણવાડી વર્કરો દ્વારા વેતનમાં વધારો તેમજ આહાર માટે ખર્ચેલા હજારો રૂપિયાની બાકી ચુકવણી, પ્રમોશન, નિવૃત્તિ વયમર્યાદા સહિતના પ્રશ્નો દિવસ 10માં ઉકેલ લાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો કચેરી ખાતે ઉમટી પડી હતી. તેઓએ આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના 53,000 આંગણવાડી કેન્દ્રોમાં છેલ્લા સાત માસથી વર્કરોએ પોતાના નજીવા પગારમાંથી બાળકોના નાસ્તાના કરેલા ખર્ચના બિલો ચૂકવાયા નથી. ગેસના, બાટલાના, મકાન ભાડાના, મંગળ દિવસની ઉજવણીના બિલો બે વર્ષથી ચુકવાયા નથી. મોબાઇલ ઇનસેટિવની રકમો એક વર્ષથી ચૂકવાઇ નથી. કેન્દ્રની રોજની જરૂરિયાતની વસ્તુઓ માટેની ફ્લેક્સી ફંડની રકમો બે વર્ષથી ચૂકવાઇ નથી. જેને કારણે આંગણવાડી વર્કરોમાં ભારે રોષ જન્મ્યો છે.અગાઉ રજૂઆતો કરવા છતાં આ મામલે કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત વેતન વધારા સહિતના પ્રશ્ન સરકાર સાથે થયેલા સમાધાનનો પણ અમલ કરવામાં આવ્યો નથી. જેથી આ બધા પ્રશ્નોનો નિવેડો દિવસ 10 માં લાવવામાં આવે તેવી માંગ છે.