સ્મશાનની જગ્યામાં વાળ બનાવી કબ્જો કરનાર વિરુદ્ધ અરજી કરતા જાતિ પ્રત્યે અપમાનિત કરાયા : એટ્રોસિટી એક્ટ અન્વયે ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના મકનસર, પ્રેમજીનગર ખાતે સ્મશાનની જમીનમાં કાંટાળી વાળ બનાવી લેવાતા આ મામલે અરજી કરનાર વ્યક્તિને જાતિ પ્રત્યે અપમાનિત કરી માથામાં કડું ફટકારી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ભીમરાવનગરમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કનુભાઇ મોહનભાઇ ચાવડાએ છએક માસ પૂર્વે સ્મશાનની જગ્યા ફાળવવા અરજી કરી હતી અને આ સ્મશાનની જગ્યા ઉપર આરોપી રાજાભાઇ રતાભાઇ ગમારા રહે.પ્રેમજીનગરવાળના પુત્રએ કાંટાળી વાળ બનાવી કબ્જો કર્યો હોવાથી અરજીને પગલે સરપંચે મધ્યસ્થી કરી આ જગ્યા ખાલી કરાવી હતી. દરમિયાન ગઈકાલે કાનજીભાઇ ઉર્ફે કનુભાઇ મોહનભાઇ ચાવડા મજૂરી કામે જતા હતા ત્યારે પ્રેમજીનગર નજીક આરોપી રાજાભાઇ રતાભાઇ ગમારાનો ભેટો થઈ જતા રાજાભાઇએ કાનજીભાઈને આંતરી તને બહુ હવા છે કહી માથાના ભાગે હાથમાં પહરેલું કડલું ઝીકી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી જાહેરમાં જાતિપ્રત્યે હડધૂત કરતા કાનજીભાઈએ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મોરબી તાલુકા પોલીસે કાનજીભાઈની ફરિયાદને આધારે આરોપી રાજાભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.