પોતાની જમીનમાં પાળો બાંધી રહેલા વાડી માલિક પિતા પુત્રને મોટા બાપુના દીકરા સાહિતનાઓએ માર માર્યો, રસ્તો બંધ કરી દેતા હોવાની રાવ કરી સામેપક્ષે પણ ફરિયાદ કરીહળવદ : હળવદ શહેરની રાયસંગપર રોડ સીમમાં ધોરા કુંવા વિસ્તારમાં આવેલી ખેતીની જમીન પર પાળો બાંધી રહેલા જમીન માલિક સાથે શેઢા પાડોશી એવા કૌટુંબિક ભાઈઓએ તકરાર કરી જમીનનો હલણનો માર્ગ બંધ કરી દેવાનો આરોપ લગાવી હુમલો કરતા ખેતીની જમીન ધરાવતા પિતાપુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે પણ પાળો બાંધવાની ના પાડતા કૌટુંબિક ભાઈ એવા ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ખારીવાડી રામનગરમાં રહર્તા જયંતીભાઈ રણછોડભાઈ સોનાગરાએ આરોપી ઘનશ્યામભાઈ કરશનભાઇ સોનાગરા, સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનાગરા, પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ સોનાગરા અને કૌશલ રમેશભાઈ સોનાગરા રહે.તમામ મહદેવનગર,હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરે ફરિયાદી પિતાપુત્ર પોતાની માલિકીની ધોરાકુવા તરીકે ઓળખાતી જમીનમાં જેસીબીથી પાળો ચડાવવાનું કામ કરતા હતા ત્યારે આરોપીઓએ આવી પાળો નહિ બાંધવાનું કહી ઢીકા પાટુનો માર મારી સોરીયા અને ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.સામાપક્ષે સંજયભાઈ ઘનશ્યામભાઈ સોનાગરાએ પણ આરોપી જયંતીભાઈ રણછોડભાઈ સોનાગરા, યોગેશભાઈ જયંતીભાઈ સોનાગરા, રણછોડભાઈ અમરશીભાઈ સોનાગરા અને નીતિનભાઈ રણછોડભાઈ સોનાગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓ ફરિયાદીની જમીનમાં ચાલવાના રસ્તે પાળો બનાવતા હોય જેથી રસ્તો બંધ નહિ કરવાનું કહેતા આરોપીઓએ પાવડા અને સોરીયા વડે હુમલો કરી ઝઘડો કરી મૂંઢ માર માર્યો હતો.બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.