ગંદકીના યોગ્ય નિકાલ અને જન આરોગ્ય અર્થે ભૂગર્ભ ગટર યોજના પાછળ થયેલો મસ મોટો ખર્ચ પાણીમાં ટંકારા : ટંકારા ભૂગર્ભ ગટર બાબતે થયેલા ઠરાવનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. તેવામાં ભૂગર્ભ ગટરની આખી યોજના જ વિવાદમાં સપડાઈ છે. કારણ કે યોજના પાછળ મસમોટો ખર્ચો કર્યો પરંતુ તેમ છતાં ભૂગર્ભ ગટરના પાણીનો અંતે નિકાલ તો નદીમાં જ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરના કામમાં લોચા લાગતા પંપિંગ મશીન પણ મુકવામાં આવ્યા છે. જેથી તેના મસમોટા બીલનો ભાર પણ ગ્રામજનો માથે પડી રહ્યો છે. ટંકારા ભુગર્ભ ગટરના ઠરાવ બાદ ટંકારા શહેરના નગરજનો હાલ તો મેદાને આવ્યા છે આજથી જ્યારે ભૂગર્ભ ગટર નહતી ત્યારે ટંકારા ઓપન ગટર થકી બધી બજારો અને રહેણાંક મકાનનું પાણી સસડાટ રોકાયા વગર નદીમાં નિકળી જતુ હતું. તો અચાનક એવી ભૌગોલિક પરિસ્થિતિ બદલી ગઈ કે પંપીંગ સ્ટેશન મૂકી આ પાણીને ધક્કો મારવો પડી રહ્યો છે જેનુ 11લાખ લાઈટ બિલ આવે એવા સવાલો થઈ રહ્યા છે. આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે રૂબન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ટંકારા ભૂગર્ભ ગટર મંજૂર થઇ હોય એમાં બુદ્ધિજીવી ઈજનેરોએ ટંકારાની ભૌગોલિક પરિસ્થિતીને જાણ્યા વગર સર્વે કર્યો હોય અને અધિકારીઓએ પણ આંધળે બહેરું કુટી નાખ્યું હોય બબ્બે પંપીંગ મશીન મૂકી બે હાથી ડટાઈ એવડા ખાડા કરી ગટરના પાઈપ નાખ્યા છે. ટેકનિકલી તો અનેક પ્રશ્નો થઈ શકે પરંતુ આમ કરીને પણ હાલ પરિસ્થિતિ ઠેરની ઠેર હોય બંને સાઇડ ભૂગળા નાખી ગટરનું પાણી આજે પણ ટંકારાની નદીઓમાં ઠલવાઇ રહ્યું છે ત્યારે શું આટલા લાખનો ખર્ચો કરી આજ પરિણામ મળ્યું છે. હાલ તો ટંકારામાં મિલકત માલીકો વધારાના વેરાને લઈને વધુ ઉગ્ર બન્યા છે અને રીતસર જાહેરમા આજ મુદે વાતોનો મારો ચાલુ થયો છે.