એસપીની સૂચનાને પગલે જીપીસીબી અને પાલિકા તંત્રએ કાર્યવાહી કરી : પાલિકા તંત્રએ અનુરાગ ક્લિનિકને દંડ ફટકાર્યો અને જીપીસીબીએ નોટિસ ફટકારી મોરબી : મોરબીના આસ્વાદ પાન પાસે જાહેરમાં અનુરાગ ક્લિનિકને બાયોમેડિકલ વેસ્ટનો જોખમી નિકાલ કરવાનું ભારે પડ્યું હતું. જેમાં આ જાહેરમાં અનુરાગ ક્લિનિક દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો જોખમી નિકાલ કરાતો હોવાનું એસપીના ધ્યાને આવ્યા બાદ તેમની સુચનાને પગલે જીપીસીબી અને પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી. પાલિકા તંત્રએ અનુરાગ ક્લિનિકને દંડ ફટકાર્યો અને જીપીસીબીએ નોટિસ ફટકારી હતી. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ આસ્વાદ પાન સામે ઉકરડાના ગંજ ખડકાયા છે. આ કચરાના ગંજમાં મચ્છીપીઠ વિસ્તારમાં આવેલ અનુરાગ ક્લિનિકના ડો. મેહુલ વાગડીયાના સ્ટાફ દ્વારા તેમના ક્લિનિકનો બાયોમેડિકલ વેસ્ટનો જોખમી નિકાલ કરવામાં આવે છે. તે દરમિયાન એસપી કરનરાજ વાઘેલા ત્યાંથી પસાર થયા હતા. ત્યારે આ બાયોમેડીકલ વેસ્ટ ધ્યાને આવતા તેમની સુચનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને સેનિટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા અને પ્રદુષણ નિયત્રણ બોર્ડના અધિકારી કાપડિયા સ્થળ ઉપર દોડી ગયા હતા અને સ્થળ ઉપર તપાસ કરતા ઇન્જેક્શન, પાટાપીડી સહિતનો સાડા પાંચ કિલો બાયો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. આથી, આ ગંભીર બાબતે જીપીસીબીએ અનુરાગ ક્લિનિક નોટિસ ફટકારી છે અને પાલિકા તંત્રએ રૂ.5 હજારનો દંડ ફટકારી આ ક્લિનિકને ફરી બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ ન કરવાની કડક સૂચના આપી હતી.