મોરબી નર્મદા બ્રાન્ચના કાર્યપાલક ઇજનેર સુમિત મિશ્રા પોતે કઈ બોલવા માટે સક્ષમ અધિકારી ન હોવાનું જણાવી રહ્યા છે : કેનાલ બંધ થશે કે ચાલુ રહેશે તે અંગેની સ્પષ્ટતા થાય તે જરૂરીમોરબી : હાલમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચુકી છે. આ સમયગાળામાં ખેડૂતોને પોતાના ઉનાળુ પાક માટે પિયતની સૌથી વધુ જરૂરિયાત હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એવી વાતો વહેતી થઈ છે કે આગામી 15 માર્ચથી નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવશે. આ વાતોને પગલે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ ગંભીર બાબતે તંત્ર અને તેના જવાબદાર અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.આ અંગે મોરબી નર્મદા બ્રાન્ચના કાર્યપાલક ઇજનેર સુમિત મિશ્રાનો સંપર્ક કરવામાં આવતા તેમની ઉદાસીનતા સામે આવી છે. 15 માર્ચથી કેનાલ બંધ થવાની વાત અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેમને આ કેનાલ બંધ થવા બાબતે કોઈ જ ખબર નથી. એક જવાબદાર અધિકારી કક્ષાની વ્યક્તિ જ્યારે ખેડૂતોના જીવાદોરી સમાન પ્રશ્ને આવો ગેરજવાબદાર અને અણઘડ જવાબ આપે ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે. તેઓએ એવું પણ કહ્યું કે હું આ મામલે જાણ કરવા માટે સક્ષમ અધિકારી નથી. એક તરફ ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક ઉભો છે અને પાણીની તાતી જરૂરિયાત છે. બીજી તરફ કેનાલ બંધ થવાની અફવાઓ કે ચર્ચાઓ જોર પકડી રહી છે. આવા સમયે ખેડૂતોને સાચી માહિતી અને માર્ગદર્શન આપવાની સીધી જવાબદારી અધિકારીઓની બને છે. પરંતુ અહીં અધિકારીઓ જ માહિતીથી અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે કે પછી ખરેખર તેમની પાસે કોઈ આયોજન જ નથી તે એક મોટો પ્રશ્ન છે. જો ખરેખર કેનાલ બંધ થવાની હોય કે સમારકામ માટે પાણી રોકવાનું હોય, તો ખેડૂતોને અગાઉથી જાણ કરવી જરૂરી છે જેથી તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે. પરંતુ જવાબદાર અધિકારીઓના આવા વલણથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.જિલ્લાના ખેડૂતોની ઉગ્ર માંગ છે કે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે સત્વરે દરમિયાનગીરી કરે અને 15 માર્ચથી કેનાલ બંધ થવાની છે કે ચાલુ રહેવાની છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા કરે.#Morbi #MorbiUpdate #NarmadaCanal #FarmersIssue #GujaratFarmers #SumitMishra #MorbiNews #Agriculture #WaterCrisis #GujaratNews