ટંકારા : હાલ મોરબી જિલ્લામાં ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ટંકારામાં નગરપાલિકા દ્વારા 150 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવતા નારાજ થયેલા લોકો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ટંકારા નગરપાલિકા દ્વારા નાના વેપારી, ફેરિયાઓ અને પાથરણા પાથરીને ધંધો કરી પોતાનું પેટીયું રળતા પરિવારને ફક્ત બે દિવસની મુદ્દત આપી આધાર પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો ડીમોલેશન કરવામાં આવશે. તેવી ગર્ભિત ચીમકી આપવામાં આવતા રોજે રોજનું ગુજરાન ચલાવતા નાના માણસોમાં ભય અને સાથે જ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પહેલા નગરપાલિકા સરકારના નિયમ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કાર્ય પછી ડીમોલેશનની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. તેમજ જો તેઓને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.