વાઘબારસથી દિવાળીના તહેવારોની શ્રુખલાના પ્રારંભ સાથે સર્વત્ર આનંદ-ઉલ્લાસ સાથે અનેરી રોનક, ઠેર ઠેર રોશનીની સજાવટ : દરેક ઘરના આંગણા કલાત્મક રંગોળીથી દીપી ઉઠ્યા, મંદિરો સહિતના ધાર્મિક અને ઐતિહાસિક સ્મારકોને રોશનીનો શણગાર મોરબી : મોરબીમાં અંધકારને દૂર કરી તેજોમય પ્રકાશ પ્રજજવલીત કરવાના મહાપર્વ દિપોત્સવ પર્વની ઉજવણીનો આનંદ ઉન્માદ ચરમસીમાએ પહોચ્યો છે. અને આજે વાઘબારસથી દિવાળી પર્વની શ્રુંખલાનો પ્રારંભ થતાની સાથે શહેરમાં હર્ષોલ્લાસ છવાયો છે અને બજરોમાં રોનક ખીલી છે. અને ખરીદીનો માહોલ જામી રહ્યો છે. તેમજ રંગબેરંગી રોશની સજાવટથી ઘર-ઓફિસો અને શો રૂમોમાં પણ રોશનીનો ઝગમગાટ કરવામાં અાવ્યો છે. તેમજ દરેક ઘરના આંગણા કલાત્મક રંગોળીથી દિપી ઉઠ્યા છે. મોરબીમાં તહેવારોના મહારાજા ગણાતા દિપોતસ્વી પર્વને લઈને સમગ્ર શહેરીજનોમાં અનેરો ઉમંગ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જોકે એક સપ્તાહથી ઠેરઠેર ફટાકડાના સ્ટોલો તેમજ વિવિધ ડેકોરેટિવ આઇટમો, મીઠાઈ, ફરસાણ, ઘરમાં ભરતગૂંથણની આઇટમો તોરણ તેમજ રોશની માટે ઇલેક્ટ્રિક લાઈટ, ઘરના આંગણે દીપાવતી રંગોળીના વિવિધ કલરો, કપડાં, સોના ચાંદીના આભૂષણો, માતાજીને ચડાવતા વિવિધ ફૂલહાર સહિતની તમામ વસ્તુઓનો અઢકળ ખજાનો ઉપલબ્ધ હોવા છતાં ખરીદી જોઈએ તેવી જામી ન હતી. જો કે આ વર્ષે ભરપૂર વરસાદ થયો હોય ક્યાંક અતિવૃષ્ટિથી નુકશાની, અને સીરામીકના એક મહિનાના વેકેશન બાદ પણ મંદી હોવાથી દિવાળીની ખરીદી પર વિપરીત અસર પડી હતી. બજારો દરેક વસ્તુઓથી ઉભરાઈ હતી. પણ એક સપ્તાહથી ખરીદી શરૂ થઈ જવી જોઈએ એના બદલે ખરીદી ન થતા વેપારીઓ થોડા નિરાશ થયા હતા. જો કે આ વખતે કોરોનાનું કોઈ બંધન ન હોવાથી છેલ્લા દિવસોમાં ખરીદી નીકળશે તેવી વેપારીઓની આશા સાચી સાબિત થઈ હતી. ઉધોગો સહીતના ક્ષેત્રે ભલે મંદી હોય પણ ઉત્સવપ્રિય મોરબી શહેર ઉત્સવો ઉજવવામાં ક્યારેય પાછીપાની કરી નથી. તેમાય તહેવારોનો મહારાજા ગણાતા દિવાળીની રંગેચંગે ઉજવણી કરવા દરેક વર્ગના લોકોએ પોત પોતાની આર્થિક ક્ષમતાને ધ્યાને લઈને અનેરા ઉમેગ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે. હવે દિવાળીના છેલ્લા દિવસોમાં બજારોની રોનક જામી છે. આજથી દિવાળીના તહેવારો શરૂ થતાં જ બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી પડી છે અને ફટાકડાના સ્ટોલો તેમજ વિવિધ ડેકોરેટિવ આઇટમો, મીઠાઈ, ફરસાણ, ઘરમાં ભરતગૂંથણની આઇટમો તોરણ તેમજ રોશની માટે ઇલેક્ટ્રિક લાઈટ, ઘરના આંગણે દીપાવતી રંગોળીના વિવિધ કલરો, કપડાં, સોના ચાંદીના આભૂષણો, માતાજીને ચડાવતા વિવિધ ફૂલહાર, મુખવાસ સહિતની તમામ વસ્તુઓની ખરીદી જામી રહી છે. છેલ્લી ઘડી દિવાળીની મધરાત સુધી ભરપૂર ખરીદી થવાની આશા છે. દિવાળી નિમિતે ઘરમાં તોરણ, માતાજીને ફૂલહાર તેમજ ઘરમાં અદભુત લાઈટ ડેકોરેશન ઉપરાંત જાહેર માર્ગો તેમજ ઐતિહાસિક સ્થળોને રોશની શણગારવા આવ્યા છે અને મંદિરોમાં પણ વિશેષ સાંજ સજાવટ કરવામાં આવી છે. દિવાળીમાં મોટાભાગની ચીજવસ્તુઓ ખરીદવાની પરંપરા હોવાથી ફટાકડા, વિવિધ રંગબેરંગી કલરો, અવનવા કપડા, ઈલેક્ટ્રોનીક આઈટમો, મોબાઈલ, ઉપયોગી સાજ સજાવટનીવસ્તુઓ, ભેટ સોગાદો માટે અપાતી વિવિધ આઈટમો તથા સોના-ચાંદીના ઘરેણોની ખરીદી થઈ રહી છે. જયારે દિવાળી નિમિતે પરંપરાગત રીતે ઘર ઓફિસો સહિતના સ્થળોની સાફ-સફાઈ કરી રંગરોગાન કયાં બાદ હવે દિવાળી-ની સજાવટ કરવામાં આવી છે. અને બજારો ઉપરાંત ઠેર ઠેર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને ફરસાણ આરોગવાનું મહત્વ હોવાથી શહેરની દરેક મીઠાઈ અને ફરસાણોની દુકાનોમાં અવનવીમીઠાઈઓ અને જાતજાતના ફરસાણોનો જથ્થાબંધ જથ્થો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો નિમિતે રંગોળીનું આગવું મહત્વ હોવાથી શહેરમાં ઠેર ઠેર રંગોળીના રંગબેરંગી કલરોની ખરીદી થઈ રહી છે. અને વાઘબારસથી શહેરમાં દરેક ઘરના આંગણામાં સુંદર મજાની મનમોહી લેતી આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે. કોઈ જગ્યાએ પરંપરાગત રંગોળીની સાથે ભારતીય સંસ્કૃતિ અને દેશભાવનાને ઉજાગર કરાઈ છે. અને ધનતેરસે લક્ષ્મી પુજન માટેના શુકનવંતા ચોપડાની ખરીદી વેપારીઓએ કરી હતી. એકંદરે દરેક લોકો પોતપોતાની રીતે દિવાળીની ઉજવણીમાં ગળાડુબ બની ગયા છે. અને હવે હેપ્પીદિવાળી તથા સાલ મુબારક કહેવા આતુર બન્યા છે.