રાણેકપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી સાધારણ સભામાં મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની નિમણૂક કરાઈમોરબી અપડેટ: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહાસમિતિની સાધારણ સભા ગત તા.8/8/2026 ના રોજ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં રાણેકપર પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. આ સભા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મહાસમિતિના 109 સભ્યો તથા શિક્ષકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ સંઘના હિસાબો, આવક-જાવક અને બેલેન્સ સહિતની વિગતો તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકવામાં આવતા, શિક્ષકોના હિત માટે હંમેશા ચિંતિત રહેતા અને તેમના પ્રશ્નોને વાચા આપનાર દિનેશભાઇ હૂંબલની સતત બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખની વરણી બાદ હોદ્દાની રૂએ દિનેશભાઇ હૂંબલ દ્વારા સંઘના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી હતી. પોતાના ઉદબોધનમાં પ્રમુખે શિક્ષકોના હાલના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરી આગામી સમયનું વિઝન રજૂ કર્યું હતું.મહાસમિતિના તમામ સભ્યોએ નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ગત વર્ષના મોરબી જિલ્લાના તમામ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીઓનું પણ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે બનતા તમામ પ્રયત્નો કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ નિમણૂક બદલ મોરબી જિલ્લાના શિક્ષકો તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TeachersUnion #MorbiTeachers #DineshHumbal #EducationNews