ગ્રામજનોને રોજગારી આપવા મહદઅંશે મનરેગા યોજના હેઠળ લેબર કામગીરીનો સમાવેશ મોરબી : રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ યાદીમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકાર વિકાસને પ્રાધાન્ય અને વેગ આપવાના અવિરત પ્રયાસ કરી રહેલ છે. તે પૈકી ગ્રામ પંચાયત એ પંચાયતી રાજની ગ્રામજનોને ખૂટતી સુવિધા પહોંચાડતી એક મહત્વની ભૂમિકા ભજવતી કડી હોઇ, ગ્રામ પંચાયતોના ખૂટતા નવીન પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ બનાવવા નિર્ણય કરેલ છે. વધુમાં માહિતી આપતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને ઇ-ગ્રામ સેન્ટરો દ્વારા ડીઝીટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મોટાભાગની પ્રાથમિક અને જરૂરી ઓનલાઇન સેવાઓ ગ્રામ પંચાયત કચેરીએથી વધુ સરળ અને ઝડપથી ગ્રામજનોને સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા આશયથી ઘર વિહોણી ગ્રામ પંચાયતો કે જર્જરિત ગ્રામ પંચાયત ઘર માટે નવીન પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસ બનાવવા હકારાત્મક અભિગમ દાખવેલ છે. હાલ જૂન-૨૦૧૬થી આજપર્યંત આશરે ૩૦૦ કરોડના ખર્ચે કુલ ૨૪૦૦ જેટલા પંચાયત ઘરો બનાવવામા આવેલ છે. હવે અંદાજીત ૨૭૬૦ પંચાયત ઘરોની બાંધકામની કામગીરી ચાલુ વર્ષ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા સરકાર દ્વારા તા.૧૦/૧૨/૨૦૨૧ ના ઠરાવથી નિર્ણય કરવામા આવેલ છે. આ નવીન પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસના બાંધકામ માટે સૂચિત અંદાજીત ખર્ચમાં ગ્રામજનોને પૂરતી રોજગારી પણ મળી રહે તે માટે મહદ અંશે મનરેગા યોજના હેઠળ લેબર કામગીરીનો પણ સમાવેશ કરેલ છે. ઉપરાંત, સીડીપી-૫ હેઠળની પંચાયત ઘર ગ્રાન્ટ, નાણાપંચ, જિલ્લા આયોજન મંડળ અને સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી ફંડ), ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયત સ્વભંડોળ કે વતનપ્રેમ યોજના હેઠળ રાજ્યના નવીન પંચાયત ઘરો પૂર્ણ કરવા આયોજન કરેલ છે. વધુમાં, આ નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવા સૈધ્ધાંતિક, તાંત્રિક તેમજ વહીવટી મંજૂરી સહિત યુનિટ કોસ્ટની મર્યાદામાં ટાઇપ ડિઝાઇનમા જરૂરી ફેરફાર કરવાની તમામ સત્તાઓ પણ જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપી સરળ પ્રક્રિયાથી અને વિના વિલંબે થાય એવો સકારાત્મક નિર્ણય મંત્રી (પંચાયત) બ્રિજેશ મેરજા દ્વારા લેવાયેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..