1948 સુધી મોરબીના રાજપર ગામે એરપોર્ટ ચાલુ હતું : આટલા ઔદ્યોગિક વિકાસ વચ્ચે અત્યારે મોરબી એરપોર્ટની સુવિધાથી વંચિત મોરબી : મોરબીવાસીઓ માટે લોકશાહી કરતા રાજાશાહીનું યુગ વધુ સુવર્ણકાળ મનાઈ છે. આજે ઔદ્યોગિક વિકાસ અને ટેકનોલોજીનો યુગ હોવા છતાં પણ મોરબી પાસે એરપોર્ટ નથી. પણ રાજાશાહી યુગમાં મોરબી પાસે એરપોર્ટની સુવિધા આવી ગઇ હતી. ત્યારે મોરબીથી પ્લેનો ઉડતા હતા. દાયકાઓ પૂર્વે હજુ ટેકનોલોજીનો ઉદય પણ થયો ન હતો. ત્યારે અલ્પ ટેકનોલોજીના યુગમાં પણ મોરબીને આધુનિક બનાવવાના સ્વપ્નદ્રષ્ટા સર વાઘજી ઠાકોરે મોરબીને મોડર્ન સીટી બનાવવાનો પાયો નાખ્યો હતો. તેઓએ સોરાષ્ટ્માં સૌપ્રથમ મોરબીમાં એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી અને આઝાદી સુધી મોરબીના રાજપર ગામે ઍરપોર્ટ ચાલુ રહ્યું હતું. મોરબીના પ્રજાવત્સલ રાજવી તરીકે દરેક મોરબીવાસીઓમાં અમીટ છાપ છોડી જનાર અને આધુનિક મોરબીના નિર્માણ માટે સ્વપ્ન જોઈને સાકાર કરવાના ભગીરથ પ્રયાસો કરનાર સર વાઘજી ઠાકોર સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મોરબીમાં એરોપ્લેન લાવ્યા હતા. તેવું કહેવાય છે. રાજાશાહી વખતમાં મોરબીના રાજપર ગામે તેમણે એરપોર્ટ વસાવ્યું હતું. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે ડેઇલી મોરબી-અમદાવાદ-મુંબઈ સુધીની એક ફ્લાઇટ ઉપડતી હતી. જેમાં આ ફ્લાઇટનો રૂટ એવી રીતે હતો કે મુંબઇથી રાજકોટ આવે અને રાજકોટથી મોરબી આવે અને મોરબીથી એ ફ્લાઇટ અમદાવાદ જતી. આ ફ્લાઇટ માટે મોરબીની આજની શાકમાર્કેટ પાસે અંબિકા એરલાઇન્સ નામની વિમાની ઓફિસ બનાવીને તેમાં ટિકિટનું બુકિંગ રાખ્યું હતું. આ સ્થળેથી મુસાફરોને જવા આવવા માટે રાજપરના એરપોર્ટ સુધી બસ દોડવામાં આવતી હતી. આઝાદી પછી સૌરાષ્ટ્ર પ્રાંતના તે સમયે મુખ્યમંત્રી બનેલા ઉછંગરાય ઢેબર મોરબીના એરપોર્ટમાં આવ્યા હતા અને તે સમયના રાજવી મહેન્દ્રસિંહજીને મળ્યા હતા. મોરબીના રાજપર ગામે વર્ષ 1948 સુધી એરપોર્ટ ચાલુ હતું. આ સુવિધા છીનવાયા બાદ મોરબીવાસીઓ વર્ષોથી ફરી એરપોર્ટ બનવાની રાહ જોઈ રહ્યા છે.