મોરબી : મોરબીમાં હળાહળ કળિયુગના દર્શન કરાવતી ઘટનામાં દારૂ ઢીચીને ઘરમાં તોફાન કરી પુત્રવધુ સાથે ઝઘડો કરતા પુત્રને સમજાવવા જતા કપાતર પુત્રએ વયોવૃદ્ધ પિતાને તુંકારે હુંકારે બોલાવી મકાન વેચી નાખજે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા વૃદ્ધ પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ઉમા ટાઉનશીપ રોડ ઉપર અરૂણોદયનગર મોટી ટાંકી પાસે રહેતા રમેશચંદ્ર દેવશંકર ચાંઉ ઉ.74 નામના વૃદ્ધે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.21ના રોજ રાત્રીના સમયે તેમનો નાનો પુત્ર ઉદયભાઇ રમેશચંદ્ર ચાંઉ દારૂ પીને ઘરના ઉપરના માળે તેમના પુત્રવધુ સાથે ઝઘડો કરી ઠામ વાસણ પછાડી તોફાન કરતો હોય રમેશચંદ્ર દેવશંકર ચાંઉએ પુત્રને ઠપકો આપી તોફાન નહીં કરવા સમજાવવા ગયા હતા. આ વેળાએ લાજવાને બદલે ગાજેલા કળિયુગી પુત્રએ વયોવૃદ્ધ પિતાને જેમ ફાવે તેમ બોલી આ મકાન વેચી નાખજે નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદી રમેશચંદ્ર દેવશંકર ચાંઉ તેમના પુત્ર આરોપી ઉદયભાઇ રમેશચંદ્ર ચાંઉ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 504 અને 506(2) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.