સંતવાણી, શોભાયાત્રા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશેથાનગઢ : થાનગઢ ખાતે આવેલા જોગ આશ્રમ ખાતે જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા સદગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુની 48મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય નિર્વાણ તિથિ મહોત્સવ યોજાશે. જેમાં સંતવાણી, શોભાયાત્રા, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.7 મેના રોજ રાત્રે 9 કલાકે દીપ પ્રાગટ્ય થશે ત્યારબાદ રાત્રે 9 કલાકેથી સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર મહેશ ગઢવી, બિન્દુ મહારાજ, વિષ્ણુભાઈ જોગી ભજનની રમઝટ બોલાવશે. 8 મેના રોજ સવારે 7-30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાનું સંચાલન જોગ ધુન મંડળ-થાન દ્વારા થશે. સવારે 8 કલાકે ગુરુદેવ પૂજન વિધિ થશે. જેમાં સર્વે ટ્રસ્ટી મંડળ તથા ગુરુ ભાઈઓ-બહેનો સાથે વિદ્વાન ભૂદેવો વૈદોક્ત મંત્રો અને સંગીતસહ ગુરુપૂજન વિધિ કારવશે. સવારે 10 કલાકે ધ્વજારોહણ થશે. બપોરે 12-15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાથે જ બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરાયું છે. 7 મેએ સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ધૂન-ભજનનો કાર્યક્રમ યોજાશે. જેમાં જોગ ધુન મંડળ, શિવ ધુન મંડળ- મોરબી, લીલાપર, જોધપર, ધરમપુર ધુન મંડળ હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ભક્તજનોને આમંત્રણ પાઠવાયું છે.