હળવદ ખાતે કાર માલિક પાણીની બોટલ લેવા નીચે ઉતર્યાને ગાંધીધામથી કારમાં બેઠેલો ગઠિયો કાર લઈ છનનનહળવદ : અજાણ્યા માણસને કારમાં બેસાડતા પહેલા ચેતજો.... હું બીમાર છું... મને ધ્રાંગધ્રા સુધી તમારી કારમાં બેસાડો ને.... આવું કહેતા ગાંધીધામથી અમદાવાદ જઈ રહેલા ફર્નિચરના ધંધાર્થીઓએ કારમાં અજાણ્યા માણસને લિફ્ટ આપ્યા બાદ હળવદ પાણીની બોટલ લેવા નીચે ઉતરતા જ ગઠિયો કાર લઈને છનનન થઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના ગુરુકુલ પ્લોટમાં રહેતા અને ફર્નિચર કામ કરતા હર્મેશભાઈ ભરતભાઇ વ્યાસ ઉ.35 નામના યુવાને હળવદ પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.28ના રોજ તેઓ ગાંધીધામથી અમદાવાદ જતા હતા ત્યારે ગાંધીધામથી એક અજાણ્યા માણસે પોતે બીમાર હોય ધ્રાંગધ્રા સુધી લઈ જવાનું કહેતા હર્મેશભાઈને દયા આવતા તેમને પોતાની સ્વીફ્ટ કારમાં આ અજાણ્યા માણસને બેસાડ્યો હતો.જે બાદ હર્મેશભાઈ હળવદ પહોંચતા હળવદની સરા ચોકડીએ તેઓ પાણીની બોટલ લેવા કારમાંથી નીચે ઉતરતા જ ગઠિયાએ પોત પ્રકાશ્યું હતું અને મોકો મળતા જ ગઠિયો હર્મેશભાઈની કાર લઈ પલાયન થઈ જતા બનાવ અંગે હર્મેશભાઈએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.