મોરબી : મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે ગઈ કાલે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ અંર્તગત અન્ડર-11 અને અન્ડર-14 ગર્લ્સ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ શાળાઓમાંથી 110 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધનુડા ગામની રહેવાસી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની વિધાર્થીની તથા A-1 સ્પોર્ટ્સ એકેડેમીની તાલીમાર્થી ગોહિલ સંસ્કૃતિ દિનેશભાઇએ 500 મીટર અને 1000 મીટર બંને સ્કેટિંગ સ્પર્ધાઓમા પ્રથમ ક્રમાંક મેળવી શાળા, ક્લાસીસ, પરિવાર તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આગામી દિવસોમાં તેઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેઓની આ જવલંત સફળતા માટે શાળા પરિવાર તથા એકેડમીના કોચ કુમાર સર, પરેશ સર તથા ગોપાલ સરે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે સંસ્કૃતિ ગોહિલ અલગ-અલગ 9 સ્કેટિંગ સ્પર્ધાઓમાં વિજેતા ઘોષિત થયા છે. તેમજ હરિયાણા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.