5 વિદ્યાર્થીઓ તેમજ 3 શિક્ષકો રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશેમોરબી: મોરબી જિલ્લા કક્ષાની લોન ટેનિસ સિંગલ્સ સ્પર્ધામાં ધનાળા પે સેન્ટર શાળાના બાળકો અને શિક્ષકોએ શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર શાળાનું નામ રોશન કર્યું છે. આજ રોજ, ૧૭ નવેમ્બરના રોજ, નાલંદા વિદ્યાલય, ટંકારા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ધનાળા શાળાના કુલ 5 વિદ્યાર્થીઓએ વિવિધ વયજૂથોમાં જિલ્લા કક્ષાએ વિજય મેળવીને રાજ્ય કક્ષા માટે ક્વોલિફાય કર્યું છે. અંડર-૧૧ સિંગલ્સમાં કુલ ૮ સ્પર્ધકોમાંથી રૂપાલા પલ જિલ્લામાં પ્રથમ અને ઝીંઝુવાડિયા ધ્રુવ તૃતીય સ્થાન મેળવીને રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેવી જ રીતે, અંડર-૧૪ સિંગલ્સની ૧૮ સ્પર્ધકોની ઇવેન્ટમાં ઝીંઝુવાડિયા રુદ્રરાજ પ્રથમ અને ઝીંઝુવાડિયા જય દ્વિતીય સ્થાન હાંસલ કરી રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે. વધુમાં, અંડર-૧૭ સિંગલ્સની ૧૮ સ્પર્ધકોની સ્પર્ધામાં રબારી શિવાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને રાજ્ય કક્ષાએ પોતાનું કૌવત દેખાડશે.વિદ્યાર્થીઓને તૈયાર કરનાર શાળાના શિક્ષકોએ પણ ઓપન એજ કેટેગરીમાં ભાગ લીધો હતો અને તેમાં પણ ધનાળા શાળાનો દબદબો જોવા મળ્યો હતો. શિક્ષકોમાં રૂપાલા રાજેશભાઈ જિલ્લામાં પ્રથમ, વીરપરીયા જતીનભાઈ દ્વિતીય અને સોલંકી રમેશભાઈ તૃતીય સ્થાન મેળવીને આગામી સમયમાં ઓપન કેટેગરીમાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આમ, ધનાળા પે. સે. શાળાના કુલ ૫ બાળકો અને ૩ શિક્ષકો મળીને ૮ વ્યક્તિઓ લોન ટેનિસની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌવત દેખાડશે. જિલ્લા કક્ષાએ શાળા અને ધનાળા ગામનું નામ ઉજળું કરવા બદલ તમામ વિજેતા બાળકો અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સર્વેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.