રોટરી કલબ દ્વારા વિસરાયેલી રમતો રમાડવા આયોજન કરતા આબાલવૃદ્ધ સૌ કોઈએ મોજથી બાળપણ યાદ કર્યુંમોરબી : ધમાલ ધોકો ધમ ધમ થાય... પાછું વળી જુવે એની તુંબડી રંગાઈ.... સિત્તેર એસીના દાયકામાં રમાતી શેરી રમતો આજે વિસરાઈ રહી છે ત્યારે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ધમાલ ગલીનું આયોજન કરી વિસરાતી જતી 10 જેટલી વિવિધ રમતો રમાડવામાં આવતા આબાલવૃદ્ધ સૌ કોઈએ પોતાના બાળપણને તાજું કરી શેરી રમતની મોજ માણી હતી.આજના ઈન્ટરનેટના અને ટીવીના યુગમાં બાળકોના હાથમાં મોબાઇલમાં આવી જતા હવે શેરીમાં કે મેદાન રમાતી લંગડી, ખો..ખો.. થપ્પો... લખોટી જેવી રમતો વિસરાઈ ગઈ છે. આ સંજોગોમાં બાળકો મેદાનની રમતો રમતા થાય તેવા હેતુ સાથે મોરબીના સ્કાય મોલ ખાતે આજે 18 ફેબ્રુઆરી ને રવિવારે સવારે 7.30 કલાકે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ધમાલ ગલીનું આયોજન કરાયું હતું. જેમાં વિસરાતી જતી લંગડી દોડ, થપ્પો દાવ, ભમરડો, લખોટી, આંધળો પાટો, કોથળા દોડ, દોરડા કૂદ, ધમાલિયો ધોકો, સાપસીડી સહિતની રમત રમાડવામાં આવી હતી. સાથે સાથે ઝૂમ્બા લાઈવ ડીજેની મોજ સૌએ માણી હતી. જેનો લાભ બાળકોની સાથે મોટેરાઓ પણ લીધો હોવાનું રોટરી કલબ ઓફ મોરબીના પ્રમુખ સોનલ શાહ, સેક્રેટરી રવિભાઈ આશર અને પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ દ્વારા જણાવ્યું હતું.