ચાર પ્રહરની પૂજા, ૧૦૮ દીવડાની દીપમાળા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજનમોરબી: આજે મહાશિવરાત્રીના પાવન પર્વે મોરબી શિવમય બની ગયું છે. ત્યારે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આજના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમની રૂપરેખા:મંદિરના ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ કાર્યક્રમની વિગત આપતા જણાવ્યું હતું કે, મંદિરે ૨૪ કલાક અખંડ પૂજા-અર્ચના ચાલુ રહેશે.● સવારે ૪:૦૦ કલાકે: રુદ્રી પાઠ સાથે દિવસની શરૂઆત.● સવારે ૬:૦૦ કલાકે: પ્રથમ આરતી.● સવારે ૧૦:૦૦ કલાકે: ધ્વજારોહણ.● બપોરે ૧૨:૦૦ કલાકે: મધ્યાહન આરતી અને ભગવાનને ભોગ-થાળ ધરાવાશે.● બપોરે: ૧૦૧ બ્રાહ્મણોનું બ્રહ્મભોજન.● બપોરે ૩:૦૦ વાગ્યાથી: શૃંગાર દર્શનની શરૂઆત.● સાંજે ૭:૦૦ કલાકે: ૧૦૮ દીવડાઓની ભવ્ય દીપમાળા.● સાંજે: દીપમાળા બાદ મહાઆરતી.● સાંજે ૭:૩૦ કલાકે: ભાવિકો માટે મહાપ્રસાદ વિતરણ.● રાત્રિના: રાત્રે ૮ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી ચારેય પ્રહરની વિશેષ પૂજા કરવામાં આવશે.યુવા પેઢીને ખાસ સંદેશ:યશવંતભાઈ જોશીએ આજના યુવાનોને એક પ્રેરક સંદેશ આપતા કહ્યું હતું કે, 'જીવનમાં ગમે તે પ્રગતિ કરો, પરંતુ ઈશ્વરથી વિમુખ ન થાવ. ભગવાન સાથેનો નાતો અતૂટ રાખો, જેથી તમારા જીવનના દરેક સંકલ્પો અને મનોકામનાઓ પૂર્ણ થાય.'આજે શિવરાત્રી નિમિત્તે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ જડેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.