સૌરાષ્ટ્રનું એકમાત્ર સ્થળ જ્યાં નાના બાળકથી લઈ વૃદ્ધો સુધીનાનું થાય છે પિતૃતર્પણ : પાંડવોએ અહીં અજ્ઞાતવાસ દરમિયાન પાંડુ રાજાનું શ્રાદ્ધ કર્યું હોવાની માન્યતા : અહીં 2 શિવલીંગ, એકની સ્થાપના ભીમે અને બીજાની સ્થાપના રિપુ રાજાએ કરી હતીમોરબી અપડેટ : મોરબી નજીક આવેલું પૌરાણિક શિવ મંદિર રફાળેશ્વર મહાદેવ પિતૃ તર્પણ માટેનું સૌથી ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. પિતૃતર્પણ એટલે પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ અર્થે કાળા તલ, જવ અને જળ અર્પણ કરવાની પવિત્ર વિધિ. ધાર્મિક માન્યતા અનુસાર આ કર્મ કરવાથી પિતૃઓની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેમને સદગતિ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાદરવાના પવિત્ર માસમાં પોતાના પિતૃઓના મોક્ષ અને શાંતિ માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પિતૃ તર્પણ કરવા આવે છે. આ પવિત્ર તીર્થસ્થાનનો ઇતિહાસ મહાભારત કાળ અને પાંડવો સાથે જોડાયેલો છે, જેના કારણે તેનું ધાર્મિક મહત્ત્વ ખૂબ વધી જાય છે. વર્તમાન સમયમાં માત્ર ગુજરાત કે ભારતમાંથી જ નહીં, પરંતુ વિદેશથી પણ લોકો પોતાના પિતૃઓના કાર્ય માટે અહીં શ્રદ્ધાભેર આવે છે. રફાળેશ્વર મહાદેવના પૂજારી કમલેશભાઈ બાલાશંકર જોષીના જણાવ્યા અનુસાર આ સ્થાન પર બે સ્વયંભૂ શિવલિંગો આવેલા છે, જ્યાં શ્રાદ્ધ વિધિ કરવાથી ક્યારેય કોઈ નિરાશ થતું નથી તેવી અતુટ માન્યતા છે. આ સૌરાષ્ટ્રનું એકમાત્ર સ્થળ છે જ્યાં નાના બાળકથી લઈ વૃદ્ધો સુધીનાનું પિતૃતર્પણ થાય છે. માન્યતા અનુસાર આ રફાળેશ્વર તીર્થમાં પ્રાચીન કાળમાં રિપુ નામના રાજાએ કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા અને રાજાને વરદાન આપ્યું હતું કે અહીં જે કોઈ પણ આવશે તેનું કલ્યાણ થશે. આ ઉપરાંત, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો પણ ફરતા ફરતા આ તીર્થમાં આવ્યા હતા. તે સમયે ભીમને ભૂખ લાગી હતી, પરંતુ તેમનો નિયમ હતો કે શિવલિંગ બનાવીને પૂજા કર્યા વિના જમવું નહીં. તેથી ભીમે અહીં બીજી શિવલિંગની સ્થાપના કરી હતી, જે ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. આમ, રફાળેશ્વર તીર્થની અંદર કુલ બે સ્વયંભૂ શિવલિંગો આવેલા છે.આ તીર્થની સૌથી મોટી વિશેષતા પાંડવોના પિતા પાંડુ રાજાના શ્રાદ્ધ સાથે સંકળાયેલી છે. પાંડવોએ અહીં તેમના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. પૌરાણિક કથા મુજબ, જ્યારે પાંડવો દ્વારા પિંડ અર્પણ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે જમીનમાંથી પાંડુ રાજાના બે હાથ બહાર આવ્યા હતા અને તેમણે પોતાના ખોબામાં તે પિંડ સ્વીકાર્યો હતો. આ ચમત્કારિક ઘટનાને કારણે આ સ્થળ પર પિતૃ કાર્યનું અને માતૃ શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૂજારી કમલેશભાઈના જણાવ્યા અનુસાર, તેમની ત્રણ પેઢીઓથી અહીં કર્મકાંડ કરાવવામાં આવે છે અને આજ સુધી અહીંથી કોઈ માણસ નિરાશ થઈને ગયો નથી.NRI સ્મશાનમાં પાડેલો મૃતકનો ફોટો લઈને આવે છે વિધિ કરાવવાપૂજારીના જણાવ્યા અનુસાર રફાળેશ્વર મંદિરે પિતૃ કાર્ય માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરેથી લોકો આવે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં પિતૃ કાર્ય કરાવવા આવે છે. વિદેશમાં સંપૂર્ણ વિધિ કરવાની છૂટ ન હોવાથી ત્યાં રહેતા આપણા લોકો માત્ર સ્મશાનમાં પાડેલો મૃતકનો એક ફોટો લઈને અહીં આવે છે અને તેના પરથી નારાયણબલી સહિતની વિધિઓ કરાવે છે. ગુજરાતમાંથી રાજકોટ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છના ભુજ સુધીના લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત, ગુજરાત બહારથી મુંબઈ જેવા શહેરોમાંથી પણ લોકો અગાઉથી તારીખ લખાવીને ખાસ પિતૃ કાર્ય કરાવવા માટે અહીં આવે છે.વર્ષ દરમિયાન 10 હજારથી પણ વધુ પિતૃકાર્યો થાય છેપૂજારીના જણાવ્યા અનુસાર આ તીર્થસ્થાનમાં બારેમાસ પિતૃ કાર્ય ચાલુ જ રહે છે, પરંતુ અમુક મહિનાઓમાં તેનો પ્રવાહ ખૂબ મોટો હોય છે. આખા વર્ષ દરમિયાન અહીં અંદાજે 10000 જેટલા પિતૃ કાર્યો થાય છે. ખાસ કરીને ભાદરવા મહિનામાં 1200 થી 1500 જેટલી નારાયણબલીની વિધિઓ થાય છે. જ્યારે ચૈત્ર મહિનામાં આ આંકડો સૌથી વધુ 1500 થી 2000 સુધી પહોંચી જાય છે. કારતક મહિનામાં પણ 1000 ની આસપાસ પિતૃ કાર્યો સંપન્ન થાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીની શ્રાદ્ધ વિધિ અહીં સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવે છે, જેનાથી લોકો ધન્યતા અનુભવે છે.જગ્યાનું અનેરું મહત્વ છતાં શૌચાલય, પાણી અને કુંડની સફાઈ સહિતની વ્યવસ્થાનો અભાવ સ્થાનિક યુવાન શિવુભા લાભુભા ગઢવીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓની દાદાગીરીને કારણે કુંડમાં કોઈ સુરક્ષા નથી અને ગંદકીના ગંજ ખડકાયા છે. પીવાના પાણીના નામે માત્ર દેખાવ પૂરતી પરબ છે, જો અહીં યોગ્ય સુવિધા હોય તો અત્યારે આવતા ૧૦૦૦ ની જગ્યાએ ૫૦૦૦ લોકો આવે. અહીં આવતા લોકોને પીવાનું શુદ્ધ પાણી કે રસોઈ બનાવવા માટે ગેસ અને વાસણ જેવી કોઈ જ સુવિધા અપાતી નથી. સ્નાન માટેના કુંડમાં જો કોઈ વ્યક્તિ ડૂબી જાય તો તેને બચાવવા માટેની પણ કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. આ મુદ્દે મંદિરના સેક્રેટરી હરીશભાઈ ભટ્ટે બચાવ કરતા જણાવ્યું કે હાલમાં જ મહિને 2500 રૂપિયાના પગારથી 3 સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે. મંદિરના સંચાલન માટે ૧૮ થી ૨૦ લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે. સફાઈ પ્રક્રિયા ચાલે છે પણ ભાવિકોમાં જાગૃતતાનો અભાવ છે.