આચારસંહિતાના અમલ બાદ રૂ. ૧૧ લાખનો વિદેશી દારૂ પકડી પાડતી પોલીસ : ૫- ૫ શખ્સો સામે તડીપાર અને પાસાની કાર્યવાહી : રોકડની હેરફેર પર નજર રાખવા નવ એફએસટી ટીમ મેદાને મોરબી : મોરબી જિલ્લામા શાંતિમય વાતાવરણમા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે પોલીસ દ્વારા કાયદાની સ્થિતિ પર વધુ બહાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ૩૩૩૩ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત ૧૧ લાખનો વિદેશી દારૂ પણ પકડી પાડવામાં આવ્યો છે. સાથે ૫- ૫ શખ્સો સામે તડીપાર અને પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આગામી તા. ૨૩ના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે ગત તા. ૧૦થી આચારસંહિતા અમલી બની છે. ત્યારે મોરબી જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે તેવા ૩૩૩૩ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સાથે ૧૮ સામે પાસા અને ૨૧ સામે તડીપારની દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાંથી ૫-૫ શખ્સો સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. ૩૯૭ જેટલા બુટલેગરો પર અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. પ્રોહીબિશનના ૧૩૧ કેસો શોધી કાઢવામાં આવ્યા છે. જેમા રૂ. ૧૧.૦૩ લાખની કિંમતનો ૪૦૧૯ ઈંગ્લીશ દારૂનો જથ્થો તેમજ રૂ. ૪૧,૦૪૦ની કિંમતનો ૨૦૫૨ લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આમ કુલ રૂ. ૨૧.૩૫ લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે જિલ્લામા પરવાના વાળા ૯૦૫ હથિયારો જમા લીધેલ છે. ઉપરાંત ગેરકાયદે હથિયાર ધરાવતા ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ઉપરાંત ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે કલેકટરના સંકલનમાં રહીને જિલ્લામા ૯ એફએસટી ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે રોકડના મોટા વ્યવહારો પર નજર રાખી રહી છે. આ ટિમો દ્રારા સઘન વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવામા આવી રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ મથકો અને અસુરક્ષિત વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવનાર છે.